ભારતની એરસ્ટ્રાઇક બાદ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું- આશા રાખું છું કે ટૂંક સમયમાં સમાપ્ત થાય

May 07, 2025

ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન તથા PoKમાં એરસ્ટ્રાઇક કરી છે. જે બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યું છે, કે 'હું ઑફિસમાં આવ્યો અને હમણાં જ સમાચાર મળ્યા. કંઈક થવાનું હતું એ તો સૌ કોઈને અંદાજ હતો જ. હું આશા રાખું છું કે આ ટૂંક સમયમાં સમાપ્ત થશે. બંને દેશો ઘણા સમયથી લડી રહ્યા હતા.' બીજી તરફ અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ કહ્યું છે કે હું ભારત અને પાકિસ્તાનની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યો છું. શાંતિ સ્થાપના માટે બંને દેશોના નેતાઓ સાથે વાતચીત કરીશું. અમેરિકાના વિદેશ મંત્રાલયનો દાવો છે કે ભારતીય NSA અજિત ડોભાલે અમેરિકાના NSA સાથે વાતચીત પણ કરી છે. ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરી છે. ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સુવિધા પર નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા પર સફળ એરસ્ટ્રાઇક કરવામાં આવી છે. એરસ્ટ્રાઇક બાદ ભારતીય સેનાએ ટ્વિટ કરીને જાણકારી આપતાં કહ્યું છે, કે 'ન્યાય થયો, જય હિન્દ'.  ભારતીય સેનાએ કોટલી, બહાવલપુર, મુઝફ્ફરાબાદ પર મિસાઇલથી હુમલો પણ કર્યો છે. ભારતની એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે જેનો BSF જડબાતોડ જવાબ આપી રહી છે.  પ્રાથમિક અહેવાલો અનુસાર ભારતીય સેનાએ મુખ્યત્વે આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદ અને લશ્કરના ઠેકાણાઓને નિશાને લીધા હતા.