વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોના મોત, 38 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

May 07, 2025

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં વરસાદ અને વાવાઝોડાને કારણે તારાજી સર્જાઈ છે. ખેતીને મોટુ નુકસાન થયું છે. જ્યારે 18 લોકોના મોત નિપજ્યાં છે. 4થી 6 મે દરમિયાન વરસાદ અને વાવાઝોડાને કારણે 38 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે. જ્યારે ત્રણ દિવસમાં 117 પશુઓના મોત નિપજ્યાં છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 168 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ અમદાવાદ,કપડવંજ, માણસા, સિહોર, જોટાણા, વડોદરા, મહેસાણા, કડી, ભાવનગર અને ડોલવણમાં નોંધાયો છે. આજે સવારની વાત કરીએ તો 16 જિલ્લામાં વરસાદ ખાબક્યો છે. જેમાં અમદાવાદ, સુરત, ભાવનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, તાપી અને નર્મદામાં વરસાદ થયો છે.

ભાવનગરમાં મહુવા માર્કેટિંગ યાર્ડની મોટી બેદરકારી સામે આવી છે. દેવળીયા ગામ પાસે સફેદ ડુંગળી માટે ખાસ યાર્ડ ની જગ્યા ભાડા પટ્ટા પર રાખી હતી. જેમાં મુકેલો ડુંગળીનો પાક પલળી ગયો છે. ગઈ કાલે ત્રણ લાખ થેલા સફેદ ડુંગળીના પાકની આવક થઈ હતી. મહુવામાં ગઈકાલે બપોરથી લઈને આખી રાત વરસાદ થયો હતો. જેના કારણે માલણ નદી બે કાંઠે વહેતી થઈ છે. મધરાતે નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ છે.