Breaking News :

ઈરાનનો ભયાનક હુમલો : ઈઝરાયલમાં કેમિકલ લીક થતા સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર

March 30, 2026

ઈરાને ઈઝરાયલના મુખ્ય કેમિકલ ઈન્ડસ્ટ્રીયલ હબ પર બેલેસ્ટિક મિસાઈલ ઝિંકીને મોટી તબાહી મચાવી છે. આ હુમલામાં ભીષણ આગ લાગવાની સાથે ઝેરી કેમિકલ લીક થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. લીકની ઘટના બાદ ઈઝરાયલે લોકોને ઘરની બારીઓ બંધ રાખવાની તાત્કાલીક સૂચના આપી છે. મીડિયા રિપોર્ટ મુજબ ઈરાને દક્ષિમ ઈઝરાયલમાં નિયોત હોવાવ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મિસાઈલ ઝિંકતા ભીષણ આગ લાગી છે. હુમલામાં ઝેરી કેમિકલ લીક થયું હોવાની આશંકા બાદ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર આવી ગઈ છે. નિયોત હોવાવ પર હુમલાની અનેક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, જેમાં ધૂમાળાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. ઈઝરાયલી મીડિયા આઉટલેટ ધ ટાઈમ્સ ઑફ ઈઝરાયલના રિપોર્ટ મુજબ, હુમલાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ અને રાહત-બચાવના કર્મચારીઓ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ ટીમ કેમિકલ સ્ટોરેજના યુનિટ્સને સીલ કરવાની અને સ્થિતિ કાબુમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે. રાહતની વાત એ છે કે, અત્યાર સુધી કોઈપણ વ્યક્તિને નુકસાન થયું નથી. ટીમોએ આ ક્ષેત્રના કર્મચારીઓને તુરંત સુરક્ષિત સ્થળે લઈ ગયા છે. સરકારે આસપાસ રહેતા લોકોને ઘરમાં જ રહેવાની અને દરવાજા-બારીઓ બંધ રાખવાની સલાહ આપી છે. સોશિયલ મીડિયા પર નિયોત હોવાવમાં ભયાનક હુમલાની તસવીરો અને વીડિયો શેર કરવામાં આવ્યા છે. વીડિયોમાં ભયાનક આગની જ્વાળાઓ અને ધૂમાળાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. ઈઝરાયલ માટે નિયોત હોવાવ ખૂબ જ મુખ્ય કેમિકલ અને ઔદ્યોગિક હબ છે. અહીં અનેક ખતરનાક રસાયણોનું ઉત્પાદન થતું હોય છે તેમજ સ્ટોરેજ પણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આવા જોખમભર્યા વિસ્તારમાં હુમલાથી પર્યાવરણ અને નાગરિકોની સુરક્ષા જોખમાઈ શકે છે. અત્યાર સુધીના રિપોર્ટ મુજબ, આ હુમલામાં કોઈપણ માનવીય નુકસાન થયું હોવાના અહેવાલો સામે આવ્યા નથી. જોકે સ્થિતિની ગંભીરતા જોતા સંપૂર્ણ સાવધાની રાખવામાં આવી રહી છે.