ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે આવતીકાલે ડિફેન્સ મોકડ્રીલ, એક નાગરિક તરીકે શું કરવું શું નહીં?

May 06, 2025

જમ્મુ -કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ભારત કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયારીમાં છે. આ દરમિયાન ગૃહ મંત્રાલયે દરેક રાજ્યોને 7 મેના રોજ મોકડ્રીલ કરવાનું કહ્યું છે.  દેશભરમાં 244 જિલ્લાઓમાં 7 મે ના રોજ મોટા પાયે સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યુદ્ધ જેવી કટોકટીની સ્થિતિમાં, વિશેષ રુપે હવાઈ હુમલાઓમાં અથવા અન્ય હુમલાઓમાં બચવા માટે તૈયાર કરવાનો છે. આ મોકડ્રીલ નાગરિકોની સુરક્ષા ઉપાયો, સ્થાળાતંરની પ્રક્રિયાઓ અને આપતકાલિન પ્રતિક્રિયા માટે પ્રશિક્ષિણ આપવાના હેતુથી કરવામાં આવી રહી છે. આ મોકડ્રીલનું પ્રાથમિક લક્ષ્ય નાગરિકોને હવાઈ હુમલાઓ અથવા અન્ય હુમલાઓની સ્થિતિમાં શાંત રહેવા, સુરક્ષિત જગ્યાએ આશ્રય લેવા અને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવા માટે તૈયાર કરવાના છે. આ અભ્યાસ વિશેષ રુપે ભારત-પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા રાજ્યો જેવા કે, જમ્મુ -કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તારોના સંવેદનશીલ જિલ્લાઓમાં મહત્ત્વપૂર્ણ રહેશે. આ મોકડ્રીલ ગ્રામ્ય સ્તર સુધી યોજાશે, જેમાં ફાયર સર્વિસ, હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ સંસ્થાઓ સક્રિયપણે ભાગ લેશે.

નાગરિકો માટે દિશાનિર્દેશ

  • મોકડ્રીલ દરમિયાન હવાઈ હુમલાની ચેતવણી આપનારા સાયરન વાગી શકે છે. એ સમજવું જરુરી છે કે, આ એક અભ્યાસ છે, તેથી ગભરાવાની જરૂર નથી. સાયરન સાંભળતાં જ શાંત રહો અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો.
  • જ્યારે સાયરન વાગે ત્યારે તરત જ ખુલ્લા વિસ્તારોમાંથી બહાર નીકળો અને સુરક્ષિત મકાન, ઘર અથવા બંકરમાં જતાં રહો. જો તમે બહાર હોવ તો નજીકના મકાનમાં પ્રવેશ કરો અને સાયરન વાગ્યાના 5 10 મિનિટની અંદર સલામત સ્થળે પહોંચવાનો અભ્યાસ કરો. જો તમારા વિસ્તારમાં બંકર ઉપલબ્ધ હોય તો ત્યાં જતા રહો.
  • મોકડ્રીલ દરમિયાન 'ક્રેશ બ્લેકઆઉટ' નો અભ્યાસ કરવામાં આવશે, જેમાં બધી લાઇટો બંધ કરવામાં આવશે, જેથી દુશ્મનને નિશાન લગાવવામાં મુશ્કેલ પડે. તમારા ઘરની બારીઓ, સ્કાયલાઇટ્સ અને દરવાજા કાળા કપડા અથવા અન્ય સામગ્રીથી ઢાંકી દો, જેથી પ્રકાશ બહાર ન જાય. રસ્તા પર વાહન ચલાવતી વખતે અધિકારીઓના નિર્દેશ મુજબ લાઇટ બંધ કરો અને વાહન રોકી દો. 
  • મોકડ્રીલમાં નાગરિકો અને વિદ્યાર્થીઓને નાગરિક સંરક્ષણ તાલીમ આપવામાં આવશે. આમાં  હુમલાની સ્થિતિમાં પોતાની જાતને બચાવવાની પદ્ધતિઓ શીખવવામાં આવશે. તાલીમમાં હાજરી આપો અને કટોકટીમાં શું કરવું જોઈએ તેની માહિતી મેળવો. આમાં બંકરોમાં છુપાઈને અભ્યાસ, પ્રાથમિક સારવાર અને સ્થળાંતર યોજનાઓનો સમાવેશ થશે.
  • મોકડ્રીલમાં સ્થળાંતર યોજનાઓનો અભ્યાસ કરાવવામાં આવશે. જેમાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવશે. વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો અને સ્થળાંતર દરમિયાન શાંત રહો. તમારા પરિવાર સાથે સ્થળાંતર યોજનાની અગાઉથી ચર્ચા કરો અને તમારા નજીકના સ્થળાંતર માર્ગ અને સલામત સ્થળનની જાણકારી મેળવી રાખો. 
  • ટીવી, રેડિયો અને સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપો. મોકડ્રીલ દરમિયાન વહીવટીતંત્ર દ્વારા મહત્ત્વપૂર્ણ સૂચનાઓ  પ્રસાર કરવામાં આવશે. અફવાઓથી દૂર રહો અને ફક્ત અધિકૃત સ્ત્રોતો પાસેથી જ માહિતી મેળવો.
  • મોકડ્રીલ દરમિયાન ઇમરજન્સી કીટની ઉપયોગીતા સમજાવવામાં આવશે. જેમાં પાણી, સૂકો ખોરાક, પ્રાથમિક સારવાર કીટ, ફ્લેશલાઇટ, બેટરી, મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોની કોપી, વધારાના કપડાં અને ધાબળાનો સમાવેશ થવો જોઈએ. ખાતરી કરો કે આ કીટ સરળતાથી ઉપલબ્ધ છે.
  • સ્થાનિક વહીવટીતંત્ર, નાગરિક સંરક્ષણ સ્વયંસેવકો અને પોલીસ સાથે સહયોગ કરો. જો તમે સિવિલ ડિફેન્સ અથવા હોમગાર્ડ સાથે જોડાયેલા છો, તો તમારી જવાબદારીઓ સમજો અને અન્ય લોકોને મદદ કરો. દરેકને સુરક્ષિત રાખવા માટે પડોશીઓ અને સમુદાય સાથે મળીને કામ કરો.
  • બાળકોને આ મોકડ્રીલ વિશે અગાઉથી સમજાવો. જેથી તેઓ ગભરાઈ ન જાય. તેમને સાયરન અને બ્લેકઆઉટ પ્રક્રિયા વિશે માહિતીગાર કરો. વૃદ્ધો અને ખાસ જરૂરિયાતો ધરાવતા લોકોને મદદ કરો જેથી તેઓ સુરક્ષિત સ્થળે પહોંચી શકે.
  • સોશિયલ મીડિયા કે અન્ય સ્ત્રોતોમાંથી આવતી અપ્રમાણિત સમાચાર પર વિશ્વાસ ન કરો. માત્ર સરકારી ચેનલો અને સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો.