જાપાનમાં મોટી કુદરતી આફતની આશંકાથી હાઈ એલર્ટ: નાગરિકોને 7 દિવસનું રાશન-પાણી સંગ્રહવા સરકારનો આદેશ

October 28, 2026

ટોક્યો: જાપાનમાં મોટી કુદરતી આફત ત્રાટકવાની શક્યતાને પગલે દેશની સરકાર અને હવામાન વિભાગે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. આ સંભવિત આપત્તિને ધ્યાનમાં રાખીને સરકારે નાગરિકોને ઘરમાં ઓછામાં ઓછા 3થી 7 દિવસ સુધી ચાલે તેટલો ખોરાક અને પીવાના પાણીનો જથ્થો અગાઉથી જ સુરક્ષિત રાખવાનો ખાસ આદેશ આપ્યો છે.

સરકારના આદેશ મુજબ, દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં પ્રતિદિન ઓછામાં ઓછા 3 લિટર પીવાના શુદ્ધ પાણીનો સંગ્રહ કરવો જોઈશે. આ ઉપરાંત અનાજ, સૂકો નાસ્તો તેમજ અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો તૈયાર રાખવા માટે પણ જણાવાયું છે.

બીજી તરફ, સરકારે ચેતવણી આપી છે કે જો કોઈ મોટી કુદરતી હોનારત સર્જાશે તો વીજ પુરવઠો, પીવાનું પાણી અને ગેસની લાઈનો સંપૂર્ણપણે ખોરવાઈ શકે છે. આ ઉપરાંત કટોકટીની સ્થિતિમાં માર્ગો અવરોધાવાને કારણે અથવા સુરક્ષાના કારણોસર સ્થાનિક બજારો અને દુકાનો પણ લાંબા સમય સુધી બંધ રહેવાની પૂરી સંભાવના છે.

જ્યારે ભૂકંપ અને સુનામી જેવી કુદરતી આફતોનો ઇતિહાસ ધરાવતા જાપાનમાં આવી વિકટ પરિસ્થિતિ દરમિયાન લોકોને ખાવા-પીવાની હાલાકી ન ભોગવવી પડે તે માટે અગાઉથી જ સાવચેતી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સરકારે દેશવાસીઓને કોઈપણ અફવાથી દૂર રહીને તંત્રની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા તેમજ તાત્કાલિક રાહતની કિટ તૈયાર રાખવા અનુરોધ કર્યો છે.