પોરબંદર, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર દુષ્કાળગ્રસ્ત જાહેર

October 26, 2026

ગુજરાત સરકારે પાણીની અછત વચ્ચે મોટો નિર્ણય લીધો છે.  રાજ્યમાં આ વખતે ચોમાસું નબળું રહ્યા બાદ ઠેર ઠેરથી પાણીની તંગીના અહેવાલો સામે આવ્યા હતા. ત્યારે ગુજરાત સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરને સરકારે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાતમાં આ વખતે 89 ટકા વરસાદ થયો છે. એવામાં ખાસ તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં ઓછો વરસાદ પડ્યો છે. એટલા માટે આ 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવી રહ્યા છે. આ સાથે મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરતાં કહ્યું હતું કે ખેડૂતોના પાકને થયેલા નુકસાન સામે સહાય આપવામાં આવશે. રાજ્ય સરકાર 8500 રૂપિયા પ્રતિ હેક્ટર અને 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે. ઉલ્લેખનીય છે કે આ વખતે ગુજરાતમાં જરૂર કરતાં ઓછો વરસાદ નોંધાયો છે અને ઠેર ઠેર પાણીની અછતના અહેવાલ સામે આવી રહ્યા છે. એમાંય ખાસ તો સૌરાષ્ટ્ર તરફ વધારે પડતી તકલીફ પડી રહી છે. સૌની યોજના દ્વારા પાણીનો સપ્લાય બંધ કરવાની ફરજ પડી છે. જેના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં પાણીનો સપ્લાય જ ખોરવાઈ ગયો છે. બીજી બાજુ નદીઓ અને તળાવો સુકાવા માંડ્યા છે. ડેમમાં પાણીનું લેવલ ઘટવા લાગ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ પાણીનું લેવલ ઘટ્યું હોવાની જાણકારી મળી રહી છે. ત્યારે આગામી ચોમાસા સુધી કેવી રીતે પાણીની વ્યવસ્થા કરવી તેને લઈને ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ સ્તરે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે પશુઓ માટે જરૂરી ઘાસચારાની વ્યવસ્થા કરવાનું પણ સરકારે આશ્વાસન આપ્યું છે. ખાસ કરીને ખેડૂતોની તકલીફને ધ્યાને લઇને ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી દેવાયા છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ચાલુ વર્ષે ઓછો વરસાદ નોંધાવાને કારણે પાણી અને ઘાસચારાની ગંભીર સમસ્યા ઊભી થઈ છે, જેના કારણે માલધારી અને પશુપાલકોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. પશુધનને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે વિશેષ આર્થિક રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી માલધારી સમાજ દ્વારા માગ કરવામાં આવી હતી. અનેક પશુપાલકો હિજરત કરવા મજબૂર થયા હતા.