ગુજરાતનું ગૌરવ: વડનગરના અનંત અનાદિ મ્યુઝિયમને જર્મનીમાં 'રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ 2026'

November 17, 2026

ગુજરાતના ઐતિહાસિક શહેર વડનગરમાં આવેલા 'અનંત અનાદિ વડનગર આર્કિયોલોજિકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ'ને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી સિદ્ધિ હાંસલ થઈ છે. જર્મનીના બર્લિનમાં યોજાયેલા પ્રતિષ્ઠિત 'રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ 2026'થી આ મ્યુઝિયમને સન્માનિત કરવામાં આવ્યું છે. આ સાથે જ વડનગરનું મ્યુઝિયમ આ વિશેષ સન્માન પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ અને એકમાત્ર મ્યુઝિયમ બની ગયું છે. આ ગૌરવશાળી સિદ્ધિ બદલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આપણી સભ્યતાના કાયમી વારસાથી લઈને ગ્લોબલ ડિઝાઇન એક્સેલન્સ સુધી વડનગર ઇતિહાસ રચી રહ્યું છે.

ભારતનું આ સૌપ્રથમ એક્સપિરિયન્શિયલ આર્કિયોલોજિકલ મ્યુઝિયમ કોઈ સામાન્ય સ્થળે નહીં, પરંતુ વાસ્તવિક પુરાતત્વીય ખોદકામના સ્થળ પર જ નિર્માણ પામ્યું છે. આશરે 12,500 ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલા આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જાન્યુઆરી 2025માં તેને સામાન્ય નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ સ્થળ વડનગરના 2,500 વર્ષથી પણ વધુ જૂના પ્રાચીન ઇતિહાસ અને અહીંની સતત માનવ વસવાટની પરંપરાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

તપાસ દરમિયાન મળેલા પ્રાચીન અવશેષો દર્શાવવા માટે મ્યુઝિયમમાં કુલ 9 અલગ-અલગ થીમ આધારિત ગેલેરીઓ બનાવવામાં આવી છે, જેમાં પુરાતત્વીય ખોદકામ દરમિયાન મળી આવેલી ઐતિહાસિક કલાકૃતિઓ પ્રદર્શિત કરાય છે. વધુમાં, આધુનિક ડિજિટલ ટેકનોલોજી તેમજ ઇન્ટરેક્ટિવ સ્ટોરીટેલિંગના માધ્યમથી અહીં આવતા પ્રવાસીઓને માત્ર ઐતિહાસિક વસ્તુઓ જોવાની જ નહીં, પરંતુ તે સમયગાળાની સભ્યતા, સંસ્કૃતિ અને જીવનશૈલીનો વાસ્તવિક અનુભવ કરવાની અનોખી તક મળે છે.

આ મ્યુઝિયમની સૌથી આકર્ષક વિશેષતા તેનું વાસ્તવિક પુરાતત્વીય ખોદકામ સ્થળ છે, જ્યાં જમીનથી આશરે 16થી 18 મીટર નીચે સુધી મળી આવેલા પ્રાચીન અવશેષોને અત્યંત સાવચેતીપૂર્વક સાચવીને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ અવશેષો હજારો વર્ષ પહેલાં અહીં વસવાટ કરતા લોકોની જીવનશૈલી અને શહેરના ક્રમિક વિકાસની સાક્ષી પૂરે છે. આ વૈશ્વિક સન્માન બાદ વડનગરનું આ મ્યુઝિયમ માત્ર ગુજરાતની જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે સમગ્ર ભારતની ઐતિહાસિક વારસાની અનોખી ઓળખ બની ગયું છે.