રેપો રેટ 5.25 ટકા પર યથાવત, હોમ લોન ઈએમઆઈમાં કોઈ રાહત નહીં : RBI ગવર્નર સંજય મલ્હોત્રાની જાહેરાત

August 05, 2026

ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ દેશની નવી નાણાકીય નીતિની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. બોર્ડની સમીક્ષા બેઠક બાદ આરબીઆઈએ અપેક્ષા મુજબ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે અને મુખ્ય વ્યાજ દર એટલે કે રેપો રેટ 5.25 ટકા પર સ્થિર રાખ્યો છે. આ નિર્ણયને કારણે હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન સહિત બેંક લોનના હપ્તા ભરી રહેલા કરોડો મધ્યમવર્ગીય ગ્રાહકોને હાલ પૂરતી કોઈ રાહત મળશે નહીં. નાણાકીય નીતિની જાહેરાત કરતી વખતે ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે પ્રથમ ત્રિમાસિક ગાળા ક્યુ1 માં વાસ્તવિક ફુગાવો અગાઉના અંદાજ કરતાં થોડો ઓછો નોંધાયો હતો. 

આ બાબત દર્શાવે છે કે માલસામાનના વધતા ખર્ચની અસર ભાવ પર મર્યાદિત રહી છે. તાજેતરમાં છૂટક ફુગાવામાં જે વધારો જોવા મળ્યો છે તે મુખ્યત્વે ખાદ્યપદાર્થો અને બળતણના ભાવમાં થયેલી અસ્થિરતાને કારણે છે. કિંમતી ધાતુઓને બાદ કરતાં મુખ્ય ફુગાવો હાલ નિયંત્રણ હેઠળ છે. નાણાકીય વર્ષ 2027 ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં મોંઘવારીનો દર તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી શકે છે પરંતુ તે પછી તેમાં ઘટાડો આવવાની શક્યતા છે. ચાલુ નાણાકીય વર્ષ માટે ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત ફુગાવાનો દર 5 ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે જે અગાઉના અંદાજ કરતાં 10 બેસિસ પોઈન્ટ ઓછો છે. ત્રિમાસિક અંદાજો અનુસાર ક્યુ1 માં 5.3 ટકા, ક્યુ2 માં 4.7 ટકા, ક્યુ3 માં 5.9 ટકા અને ક્યુ4 માં 5.5 ટકા રહેશે.

જોખમો અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ અંગે ગવર્નરે ઉમેર્યું હતું કે પશ્ચિમ એશિયામાં ચાલુ સંઘર્ષ અને ભૂરાજકીય તણાવને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવ અત્યંત અસ્થિર રહ્યા છે. ચોમાસાના વરસાદ પર અલ નીનોની અસરો પણ એક મોટું જોખમ બની રહે છે જેના કારણે નજીકના ગાળામાં ફુગાવાની આગાહી કરવી પડકારજનક છે. જોકે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં આવી રહેલા વૈવિધ્યકરણને કારણે મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર ખર્ચનું દબાણ ઓછું રહેવાની ધારણા છે.

દેશના આર્થિક વિકાસ અંગે સકારાત્મક સમાચાર આપતાં આરબીઆઈએ નાણાકીય વર્ષ 2027 માટે ભારતના જીડીપી ગ્રોથ રેટનો અંદાજ 6.6 ટકાથી વધારીને 6.7 ટકા કર્યો છે. મધ્યસ્થ બેંકે બીજા ત્રિમાસિક ગાળા ક્યુ2 માટે પણ દેશના આર્થિક વિકાસના અંદાજમાં સુધારો કર્યો છે જે દર્શાવે છે કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં આગળ વધી રહ્યું છે. નીતિ વિષયક દરો અંગે આરબીઆઈના નિર્ણયથી દેશમાં 40 અબજ ડોલરનું રોકાણ આવે તેવી શક્યતા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ વ્યક્ત કરી છે.