ખૈબર પખ્તુનખ્વામાં નમાજ દરમિયાન 'આત્મઘાતી બ્લાસ્ટ', 15 લોકોના મોત

September 18, 2026

ખૈબર પખ્તુનખ્વા : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના કોહાટમાં પોલીસ લાઇન પાસે મોટો બ્લાસ્ટ થયો છે. જેમાં 15 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં પોલીસકર્મીઓ પણ સામેલ છે. પોલીસના જણાવ્યા અનુસાર, બ્લાસ્ટ શુક્રવારની નમાજ દરમિયાન થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે મસ્જિદની બહાર મોટો ખાડો પડી ગયો. બહારનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો અને એક દીવાલ પણ પડી ગઈ હતી. વિસ્ફોટકથી ભરેલી એક કાર જૂના પોલીસ લાઇન્સના ગેટ સાથે અથડાઈ. કાર અથડાયા પછી જોરદાર બ્લાસ્ટ થયો અને ગોળીબાર પણ થયો. હૉસ્પિટલ તંત્ર મુજબ 15 મૃતદેહ અને 50થી વધુ ઈજાગ્રસ્તોને લાવવામાં આવ્યા છે. સારવાર માટે હૉસ્પિટલમાં ઇમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે.
પોલીસે કોહાટ-હંગુ રોડને તમામ પ્રકારની અવરજવર માટે બંધ કરી દીધો છે. પોલીસ લાઇન આસપાસ વધારાનું પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે. રેસ્ક્યૂ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બ્લાસ્ટથી આસપાસની ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.