ચક્રવાત આંધ્રપ્રદેશના કાંઠે ટકરાવાની શક્યતા બાદ 3 દિવસ શાળા-કોલેજ બંધ

October 25, 2026

ભૂવનેશ્વર : બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાતાં આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતનું જોખમ વધ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ બંને રાજ્યોના દરિયાકાંઠા માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આ સિસ્ટમ વધુ તીવ્ર બનીને 28 ઑક્ટોબરે આંધ્રપ્રદેશના કાંઠા નજીક પહોંચે તેવી શક્યતા છે. આ દરમિયાન પવનની ઝડપ 115થી 125 કિમી પ્રતિ કલાક રહેવાની અને ઝાપટાં દરમિયાન 140 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. 

ચક્રવાતને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ, જોરદાર પવન અને ઊંચાં મોજાં ઊછળવાની આશંકા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે ખેતી, મકાનો અને વીજળીના થાંભલાઓને નુકસાન થવાનું જોખમ પણ છે. 28 ઑક્ટોબરે આંધ્રપ્રદેશના કાંઠે ટકરાવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 24 ઑક્ટોબરે બપોરે બંગાળની ખાડીના પૂર્વ-મધ્ય અને તેની નજીકના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં બનેલું ડિપ્રેશન વધુ તીવ્ર બની શકે છે. આ સિસ્ટમ અંડમાન-નિકોબારના શ્રી વિજયપુરમથી આશરે 510 કિમી ઉત્તર-પશ્ચિમમાં હતી.


આગાહી મુજબ, 25 ઑક્ટોબરે સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. 26 ઑક્ટોબરની સવાર સુધીમાં ચક્રવાત બનવાની અને 27 ઑક્ટોબર સુધીમાં ગંભીર ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરવાની શક્યતા છે. ત્યારબાદ તેની તીવ્રતા વધીને અત્યંત ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, 28 ઑક્ટોબરની સવારે આંધ્રપ્રદેશ અને યાનમના દરિયાકાંઠે બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે વાવાઝોડું ટકરાઈ શકે છે. જોકે, ચક્રવાતનો માર્ગ અને તેની તીવ્રતામાં ફેરફાર થઈ શકે છે.