બેંગલુરુમાં IPSનો પરિવાર પણ સુરક્ષિત નથી: IPL દરમિયાન થઈ છેડતી, આરોપીમાં IT ઓફિસર પણ સામેલ

May 06, 2025

તાજેતરમાં બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL મેચ દરમિયાન એક વરિષ્ઠ IPS અધિકારીના બાળકો સાથે છેડતીની ઘટના સામે આવી હતી. ફરિયાદ બાદ હવે જાતીય સતામણી અને ધમકીનો કેસ નોંધવામાં આવ્યો છે. શંકાસ્પદોમાં એક વરિષ્ઠ આઈટી અધિકારી પણ સામેલ છે. આ મામલે પોલીસે જણાવ્યું કે, આ ઘટના ૩ મેના રોજ રાત્રે 9:00 વાગ્યે પ્રીમિયમ સીટિંગ એન્ક્લોઝર ડાયમંડ બોક્સમાં બની હતી જ્યારે RCB અને CSK વચ્ચે મેચ રમાઈ રહી હતી. ફરિયાદી IPS અધિકારીની પત્નીએ જણાવ્યું કે, બે અજાણ્યા વ્યક્તિઓએ મારા 22 વર્ષના પુત્ર સાથે દુર્વ્યવહાર કર્યો અને મારી 26 વર્ષની પુત્રીને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો. આ અજાણ્યું દંપતી જોરથી બૂમો પાડી રહ્યું હતું અને અમારા બાળકોને ધમકાવી રહ્યું હતું અને પરેશાન કરી રહ્યું હતું. તેઓએ મારી પુત્રી સાથે પણ દુર્વ્યવહાર કર્યો અને તેની સાથે છેડતી કરી. ફરિયાદીએ દાવો કર્યો કે, આ સમગ્ર ઘટના મારા પુત્રએ પોતાના મોબાઇલ ફોનમાં રેકોર્ડ કરી લીધી હતી. પોલીસે જણાવ્યું કે, આ ઘટનામાં સંડોવાયેલા શંકાસ્પદોમાં એક વરિષ્ઠ IT અધિકારી પણ હતો. પોલીસે જણાવ્યું કે, ફરિયાદના આધારે બીએનએસની કલમ 351(1) (ગુનાહિત ધાકધમકી), 352 (શાંતિનો ભંગ કરવાના ઈરાદાથી જાણી જોઈને અપમાન કરવું), 75(1) (જાતીય સતામણી), 79 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.