જે દેશો બ્રિક્સની નીતિઓ ફોલો કરશે, તેમના પર 10% વધુ ટેરિફ ઝીંકીશ, ભારત સહિતના દેશોને ટ્રમ્પની ચેતવણી

July 07, 2025

એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલમાં આયોજિત BRICS સમિટ 2025માં ભાગ લીધો હતો. બીજી તરફ, હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ચેતવણીના સૂરમાં કહ્યું હતું કે, ‘જે કોઈ દેશ BRICSની 'અમેરિકા વિરોધી નીતિઓ' સાથે જોડાશે તેની પાસેથી વધુ 10%  ટેરિફ વસૂલાશે.’ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર આ વાત લખી છે. ટ્રમ્પે લખ્યું છે કે, 'જે પણ દેશ BRICSની અમેરિકા વિરોધી નીતિઓમાં જોડાશે તેના પર વધારાની 10% ટેરિફ વસૂલાશે. આ નીતિમાં કોઈ દેશ અપવાદ નહીં હોય. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર!' ટ્રમ્પની આ ચેતવણી ભારત માટે પણ ચિંતાનો વિષય બની શકે છે. BRICS દેશોનું નામકરણ જ બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા, ચાઈના અને સાઉથ આફ્રિકા એમ વિવિધ દેશોના નામે કરાયું છે. હાલમાં જ વડાપ્રધાન મોદી બ્રિક્સના 17મા સંમેલનમાં ભાગ લેવા માટે બ્રાઝિલના રિયો ડી જાનેરો પહોંચ્યા હતા. બીજી તરફ, ભારતે અમેરિકા સાથે કેટલાક મહત્ત્વપૂર્ણ વેપાર કરારો કર્યા છે. માહિતી અનુસાર, ભારતે અમેરિકા સાથે વચગાળાના વેપાર કરાર માટે કૃષિ અને ડેરી જેવા ક્ષેત્રોમાં મુખ્ય મુદ્દા પર મર્યાદા નક્કી કરી છે. હવે આ કરારને અંતિમ સ્વરૂપ આપવાની જવાબદારી અમેરિકાના હાથમાં છે. એવું કહેવાય છે કે જો મુદ્દા ઉકેલાઈ જશે, તો 9 જુલાઈ પહેલા વચગાળાના વેપાર કરારની જાહેરાત થઈ શકે છે. 2 એપ્રિલના રોજ, અમેરિકાએ ભારતીય માલ પર 26% રેસસિપ્રોકલ ટેરિફ લાદ્યો હતો. બાદમાં 90 દિવસ માટે આ ટેરિફ મુલતવી રખાયો હતો. જો કે, અમેરિકા દ્વારા લાદવામાં આવેલી 10% મૂળભૂત ડ્યુટી હજુ પણ અમલમાં છે. ભારત આ 26% ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિ ઇચ્છે છે. જો વેપાર વાટાઘાટો નિષ્ફળ જાય છે તો 26% ડ્યુટી ફરીથી લાદવામાં આવશે. ગયા અઠવાડિયે ભારતીય ટીમ અમેરિકા સાથે વચગાળાના વેપાર કરાર પર વાટાઘાટો કરીને વોશિંગ્ટનથી પરત ફરી હતી. નોંધનીય છે કે ટ્રમ્પ દ્વારા વિવિધ દેશો પર ટેરિફ લાદવાની જાહેરાત પહેલાથી જ હલચલ મચી ગઈ છે. ગયા સપ્તાહે ટ્રમ્પે કહ્યું હતું કે, 'અમારું વહીવટીતંત્ર 10-12 દેશોના પ્રથમ જૂથને એક પત્ર મોકલી રહ્યું છે. જેમાં રેસિપ્રોકલ ટેરિફની વિગતો શેર કરાશે. આ પ્રક્રિયા 9 જુલાઈ સુધીમાં પૂર્ણ થઈ શકે છે.'