ફરી એક થશે ઠાકરે બંધુ? મુલાકાત બાદ અટકળો તેજ, ભાજપનું વધશે ટેન્શન

February 24, 2025

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે (Raj Thackeray) અને શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ (Uddhav Thackeray) ઠાકરે વચ્ચે એક લગ્ન સમારોહમાં મુલાકાત થઈ છે. અંધેરી વિસ્તારમાં એક સરકારી અધિકારી મહેન્દ્ર કલ્યાણકરના પુત્રના રવિવારે લગ્ન યોજાયા હતા, જેમાં બને નેતાઓ સાથે દેખાતા રાજકારણમાં નવી અટકળો શરૂ થઈ ગઈ છે. મુલાકાત બાદ એવું કહેવાય છે કે, બંને નેતાઓ કોર્પોરેશનની ચૂંટણી પહેલા પોતાના રાજકીય મતભેદો સુધારવાના પ્રયાસો કરી શકે છે. ઉદ્ધવ ઠાકરે રાજ ઠાકરેના પિતરાઈ ભાઈ છે અને બંને ભાઈઓ આંતરિક મતભેદના કારણે રાજકીય રૂપે અલગ થઈ ગયા છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ સત્તાધારી મહાયુતિ અને વિપક્ષી મહા વિકાસ અઘાડી (MVA) બંને ગઠબંધનમાં તિરાડ પડી હોવાના અફવાઓ ચાલતી રહી છે, ત્યારે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેની મુલાકાતા થયા બાદ રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. રાજકીય નિરીક્ષકોનું કહેવું છે કે, રાજ્યમાં ટૂંક સમયમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત નાગરિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની છે, જેને ધ્યાને રાખી મનસે અને શિવસેના યુબીટી પોતાના રાજકીય મતભેદોનો નિવેડો લાવવા માગતા હોવાની સંભાવના છે. જોકે નાગરિક સંસ્થાઓની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો નથી.

ઉલ્લેખનીય છે કે, બંને પિતરાઈ ભાઈઓ વચ્ચે છેલ્લા બે મહિનામાં ત્રીજી વખત જાહેર મુલાકાત થઈ છે, જેના કારણે બંને પક્ષો વચ્ચેના સંબંધોમાં સુધારો થયો હોવાની અટકળો વહેતી થઈ છે. વર્ષ 2005માં રાજ ઠાકરેએ શિવસેના છોડી દીધી હતી અને બીજા જ વર્ષે પોતાની પાર્ટી બનાવી હતી. ગત વર્ષે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી, જેમાં વિપક્ષી MVAના સાથી શિવેસના યુબીટીએ 20 બેઠકો જીતી હતી, જ્યારે મનસે એક પણ બેઠક જીતી શક્યું ન હતું.