તમે ખતમ થઈ જશો, પરંતુ હિન્દુ ધર્મ ક્યારેય ખતમ નહીં થાય - હિમંતા બિસ્વા સરમા

March 02, 2025

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ઔરંગઝેબનો ઉલ્લેખ કરી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ‘હિન્દુઓને મુસ્લિમો અને ખ્રિસ્તીઓથી નહીં, પરંતુ લેફ્ટ લિબરલથી ખતરો છે.

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ લોકોને સંબોધતી વખતે કહ્યું કે, મેં કેટલાક લોકોના ભાષણ સાંભળ્યા, જેમાં તેઓ સમજે છે કે, જ્યારથી અમે બંધારણનો સ્વિકાર કર્યો, ત્યારથી ભારત વર્ષની શરૂઆત થઈ. પરંતુ એવું બિલકુલ નથી. ભારત એક સભ્યતા છે, જે 5000 વર્ષ જૂની છે. ઔરંગઝેબે કસમ ખાધી હતી કે, તે હિન્દુ ધર્મને ખતમ કરશે, જોકે તે હિન્દુ ધર્મને ખતમ ન કરી શક્યો અને પોતે જ ખતમ થઈ ગયો. જો રાહુલ ગાંધી અને મમતા બેનરજી વિચારતા હોય કે, હિન્દુ ખતમ થઈ જશે, તો હું કહેવા માંગું છું કે, તમે ખતમ થઈ જશો, પરંતુ હિન્દુ ધર્મ ક્યારેય ખતમ નહીં થાય. તેમણે કહ્યું કે, લેફ્ટ લિબરલ લોકોએ ધીમે ધીમે દેશને ઘેરી લીધો હતો, ત્યારબાદ એવા લોકોને પદ્મશ્રી મળ્યા, જેઓ ખાસ કરીને હિન્દુઓ વિરુદ્ધ બોલતા હતા. 2014 સુધી એવું લાગતું હતું કે, હવે દેશ આગળ નહીં આવી શકે. તે વખતે એટલા બધા કૌભાંડો થયા, હિન્દુઓને કોર્ટમાં ઉભા કરી દેવાયા અને કહેવાયું કે, હિન્દુ ન બોલો સેક્યુલર બોલો... એટલું જ નહીં વડાપ્રધાને પણ એવું કહ્યું હતું કે, દેશના સંશાધનો પર માઈનોરિટીનો પ્રથમ અધિકાર રહેશે, પરંતુ યદા-યદા હી ધર્મસ્ય અને આપણી પાસે મોદી આવ્યા. હું માનતો નથી કે, હિન્દુઓને મુસ્લિમો અને ખ્રિસ્તીઓથી ખતરો હોય. વાસ્તવમાં આ બંને ભારતમાં લઘુમતીઓ છે. હિન્દુઓને આપણા સમાજથી જ ખતરો છે.