21.14 કરોડના નવા કોપ્પલ રેલવે સ્ટેશનમાં પીએમ મોદી દ્વારા ઉદ્ઘાટન પહેલાં જ પાણીનું લીકેજ, બાંધકામની ગુણવત્તા પર સવાલ

July 18, 2026

કર્ણાટકના કોપ્પલમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આશરે 21.14 કરોડના ખર્ચે નિર્માણ પામેલા નવા કોપ્પલ રેલવે સ્ટેશનમાં વરસાદી પાણીનું લીકેજ થતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ખાસ વાત એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેશનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરે તેના થોડા કલાકો પહેલાં જ આ ઘટના સામે આવતાં વિવાદ સર્જાયો હતો.

આ ઘટનાને પગલે લોકો સ્ટેશનના બાંધકામની ગુણવત્તા પર સવાલ ઉઠાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર ટીકા કરી રહ્યા છે. ઉદ્ઘાટન પહેલાં જ નવા સ્ટેશનમાં લીકેજ જોવા મળતાં કામગીરી અંગે ચર્ચા તેજ બની છે.

કોપ્પલ રેલવે સ્ટેશનમાં આધુનિક સુવિધાઓ સાથે 1508 ચોરસ મીટર વિસ્તારનું નવું એક માળનું બિલ્ડિંગ, પહોળો ફુટઓવર બ્રિજ (FOB) અને લિફ્ટની સુવિધા ઊભી કરવામાં આવી છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ હમ્પીની નજીક આવેલા આ સ્ટેશનના આંતરિક ભાગમાં સ્થાનિક સંસ્કૃતિ અને વિજયનગર સામ્રાજ્યની ઝાંખી રજૂ કરવામાં આવી છે. જોકે ઉદ્ઘાટન પહેલાં વરસાદી પાણીના લીકેજની ઘટનાએ સમગ્ર પ્રોજેક્ટની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.