ચીનમાં માત્ર 5.3 સેકન્ડમાં 800 કિ.મી.ની ઝડપે દોડતી ટ્રેનનો નવો રેકોર્ડ

August 15, 2026

બેઈજિંગ : ચીનના હુબેઈ ઈસ્ટ લેકમાં એક્સપેરિમેન્ટલ મેંગ્લેવ પ્લેટફોર્મમાં દોડેલી ટ્રેને અભૂતપૂર્વ ઝડપ હાંસલ કરીને રેકોર્ડ બનાવ્યો હતો. ટ્રેને માત્ર ૫.૩ સેકન્ડમાં ૮૦૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપ મેળવી લીધી હતી. અગાઉનો રેકોર્ડ પણ ચીનમાં જ નોંધાયો હતો. આ વર્ષે જુલાઈમાં જ ૭૦૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ટ્રેન દોડાવીને ચીને રેકોર્ડ બનાવ્યો હતો.
ઈસ્ટ લેક લેબોરેટરીના પ્લેટફોર્મ પર હાઈ સ્પીડ ટ્રેનનું ટેસ્ટિંગ થયું હતું. હુબેઈ પ્રાંતમાં થયેલા આ પરીક્ષણમાં ટ્રેન કુલ આઠ સેકન્ડ દોડી હતી. ૮ સેકન્ડમાંથી ૫.૩ સેકન્ડ થઈ ત્યારે ટ્રેને ૮૦૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપ હાંસલ કરી હતી. આટલી ઝડપ અગાઉ દુનિયાની એકેય ટ્રેનને મળી ન હતી. આટલા ટૂંકાગાળામાં આ ઝડપ અભૂતપૂર્વ ગણાય. એક કિલોમીટરનું અંતર ટ્રેને આઠ સેકન્ડમાં પૂરું કર્યું હતું. મેગ્નેટ સસ્પેન્શન ટ્રેકમાં ટ્રેન વિદ્યુત મેગ્નેટિક સાથે જોડાયેલી રહે છે. આ મોડલ વ્હીલ અને ટ્રેકના પરંપરાગત સંપર્ક પ્રમાણે કામ નથી કરતું. તેના કારણે રોલિંગ ઘર્ષણ ઘટી જાય છે ને ટ્રેનને અભૂતપૂર્વ ઝડપ મળે છે.
ટ્રેનનું વજન નોંધપાત્ર રીતે ૧.૧ ટન હોવા છતાં એક કિલોમીટરના વિસ્તારમાં જે રીતે શરૂ થઈ એ જ રીતે અંતર પૂરું કરીને કોઈ ગરબડ વગર રોકાઈ ગઈ હતી. અત્યારે આ પરીક્ષણ પેસેન્જર ટ્રેન માટે થઈ રહ્યું નથી, પરંતુ આટલી ઝડપ હાંસિલ થઈ હોવાથી ભવિષ્યમાં કદાચ આ પ્રકારની ટ્રેનમાં પેસેન્જર સવાર થતાં હોય તો નવાઈ પામવા જેવું નહીં રહે. સંશોધકોએ કહ્યું હતું કે આ ટેકનોલોજી માત્ર સ્પીડ માટે જ મહત્ત્વની નથી, પ્લેટફોર્મની ટેકનોલોજી માટે પણ ભવિષ્યમાં એ બહુ અગત્યની બની રહેશે. હાઈ સ્પીડ ટ્રેનના સંશોધન માટે આ પરીક્ષણોનો અનુભવ બહુ કામ લાગશે.