આમિર ખાને સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લીધી, કહ્યું- 'મારા પરદાદા અને સરદાર પટેલ ચળવળમાં સાથે હતા'

January 26, 2025

કેવડિયા - દેશમાં આજે 76માં પ્રજાસત્તાક દિવસની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાતના સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે થઈ રહેલા ધ્વજવંદન કાર્યક્રમમાં બોલીવૂડના અભિનેતા આમિર ખાને પણ હાજરી આપી હતી. આમિર ખાનની આગામી ફિલ્મ 'સિતારે જમીન પર'નું ગુજરાતમાં શૂટિંગ ચાલી રહ્યું છે, ત્યારે આમિર ખાને સ્ટેચ્યૂ ઑફ યુનિટીના ધ્વજવંદનમાં પહોંચીને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાને નીહાળી અને ગેલેરીની મુલાકાત લીધી હતી. 
આ પ્રસંગે આમિર ખાને કહ્યું કે, 'આપણા જે ફ્રિડમફાયટર રહ્યા છે, જેમને દેશ અને આપણા બધાની આઝાદી માટે લડત આપી છે. જેમાં મારા પરદાદા મૌલાના આઝાદ અને સરદાર પટેલ આ ચળવળમાં ગાંધીજીની લીડરશીપમાં સાથે હતા. મારા માટે આ ઘણો ખાસ દિવસ છે. હું આજે અહીં બેસીને વિચાર રહ્યો હતો કે, તેમણે કેટલી ચર્ચાઓ કરી હશે અને મુશ્કેલીનો સામનો કર્યો હશે. આ સાથે જેલમાં પણ ગયા છે.