ચેમ્બરમાં બેસીને સુરતની આફતનું આકલન! ગ્રાઉન્ડ ઝીરો પર ગયા વગર મુખ્યમંત્રીએ ₹500 કરોડના પેકેજની કરી જાહેરાત
July 10, 2026
સુરત : સુરત શહેરમાં ખાડી પૂરના કારણે હજારો પરિવારો ત્રાહિમામ છે, લોકોના ઘરોમાં ગંદા પાણી ભરાયેલા છે અને આખી જિંદગીની કમાણી વહી ગઈ છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી સુરતની 'મુલાકાતે' તો આવ્યા, પણ તેમની આ મુલાકાત જનતાના આંસુ લૂછવા માટે ઓછી અને સરકારી ઔપચારિકતા વધારે હોય તેવી લાગી રહી છે. મુખ્યમંત્રી પોતે હવાઈ માર્ગે સુરત આવ્યા હતા અને એરપોર્ટથી જે રસ્તે થઈને તેઓ સુરત મહા નગરપાલિકાની ICCC બિલ્ડિંગ ખાતે (બેઠકના સ્થળે) પહોંચ્યા, તે વીઆઈપી રોડ પર વરસાદના કારણે કોઈ મોટી તકલીફ નહોતી. નવાઈની વાત એ છે કે, મુખ્યમંત્રીએ પૂરથી પ્રભાવિત એક પણ અસરગ્રસ્ત વિસ્તારની ગ્રાઉન્ડ પર જઈને મુલાકાત લીધી નહોતી! કે પછી પૂરને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારની પણ મુલાકાત લીધી નથી. ત્યારે હવે સવાલ એ થાય છે કે જે મુખ્યમંત્રી પૂરના ગંદા પાણીમાં ઉતર્યા જ નથી, તેમને સુરતીઓની અસલી તકલીફ અને પીડા વિશે કેવી રીતે ખબર પડવાની?
સુરત સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારો અને મીડિયાકર્મીઓને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. એટલું જ નહીં, અંદરની કોઈ વાત કે વીડિયો બહાર ન જાય તે માટે નેતાઓ અને મનપા કમિશનર સહિતના તમામ અધિકારીઓના મોબાઈલ ફોન પણ બહાર જ જમા કરાવી દેવાયા હતા. જનતા સવાલ પૂછી રહી છે કે, જો સરકાર અને તંત્રએ બધું કામ બરાબર જ કર્યું છે, તો પછી મીડિયાથી આટલો ડર કેમ? બંધ બારણે આવી ગુપ્તતા રાખીને સરકાર કઈ વાસ્તવિકતા છુપાવવા માંગતી હતી?
અંદાજે 2 કલાક ચાલેલી આ મેરેથોન બેઠકમાં જે દ્રશ્યો સર્જાયા તે પલાયનવાદી રાજનીતિનો ઉત્તમ નમૂનો છે. પૂરના સમયે જ્યારે જનતા મદદ માટે બૂમો પાડી રહી હતી ત્યારે એસી રૂમમાં ભરાઈ રહેલા કેટલાક સ્થાનિક ધારાસભ્યો અને નેતાઓએ બેઠકમાં પોતાને બચાવવા માટે તમામ દોષનો ટોપલો મનપાના અધિકારીઓ પર ઢોળી દીધો હોવાની ચર્ચા છે. મુખ્યમંત્રીએ પણ નેતાઓની હા માં હા મિલાવીને અધિકારીઓ પર બરાબરની ગાજ વર્ષાવી અને 'કડક કાર્યવાહી' ની ચીમકી આપી.
પરંતુ, સુરતની સમજદાર જનતા પૂછી રહી છે કે, શું સુરત શહેર અને સુરતીઓની હાલાકી માટે ફક્ત અધિકારીઓનો જ વાંક છે? જનતાના વોટ લઈને એસી ચેમ્બરોમાં બેસી રહેતા ધારાસભ્યો કે સાંસદોની કોઈ જવાબદારી નથી? જ્યારે ખાડી કિનારે ગેરકાયદે દબાણો થઈ રહ્યા હતા, કરોડોના બજેટ પાસ થઈને ભ્રષ્ટાચારની ખાડીમાં હોમાઈ રહ્યા હતા, ત્યારે આ લોકપ્રતિનિધિઓ શું આંખો બંધ કરીને બેઠા હતા? અધિકારીઓ પર ગુસ્સો કરીને મુખ્યમંત્રીએ પોતાના નેતાઓને કડક શબ્દોમાં ટકોર કરવાનું પણ મુનાસિબ ન સમજ્યું.
મુખ્યમંત્રીએ ખાડી પ્રોજેક્ટના રીડેવલપમેન્ટ માટે 500 કરોડ રૂપિયાના વિશેષ પેકેજની જાહેરાત કરી દીધી છે અને 24 કલાકમાં કેશડોલ ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ વરસાદમાં બિસ્કિટની જેમ તૂટી ગયેલા કરોડોના નવા રસ્તાઓ મુદ્દે તપાસ કરીને કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવાની ચીમકી આપી છે. પણ સુરતની જનતા જાણે છે કે દર વર્ષે કરોડો રૂપિયા આ જ રીતે ભ્રષ્ટાચારના રસ્તે વહી જાય છે. ભૂતકાળમાં ક્યારેય કોઈ મોટા ભ્રષ્ટ અધિકારી કે નેતા જેલ ભેગા થયા નથી, એટલે આ વખતે પણ માત્ર તપાસના નામે નાટક જ થશે તેવું લોકો માની રહ્યા છે.
આટલી ગંભીર સ્થિતિ અને હાઈવોલ્ટેજ બેઠક બાદ પણ સરકારે કોઈ પ્રેસ કોન્ફરન્સ યોજી નહીં. સરકારને સારી રીતે ખબર હતી કે જો મીડિયા સામે જઈશું તો ગ્રાઉન્ડ ઝીરો પરથી આવતા આકરા અને સળગતા સવાલોના જવાબ આપતા નેતાઓના પરસેવા છૂટી જશે. બેઠક પૂરી થયા બાદ ગૃહરાજ્યમંત્રીએ કેમેરા સામે આવીને માત્ર એટલું જ નિવેદન આપ્યું જેટલું સરકારની પીઠ થાબડવા માટે જરૂરી હતું. પરંતુ જનતાને આ નરકાગારમાં કેમ ધકેલી દેવાઈ, તેનો કોઈ જવાબ સરકાર પાસે નહોતો.
Related Articles
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM કંપની સામે નારાજગી, 19મીએ હડતાળનું એલાન
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM ક...
Sep 14, 2026
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, 4 કલાકમાં વટવામાં 2.76 ઈંચ ખાબક્યો
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે...
Sep 14, 2026
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર,...
Sep 13, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026