છત્તીસગઢમાં મોટી દુર્ઘટના : વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઇલર ફાટતાં 10ના મોત, 40થી વધુ શ્રમિકો દાઝ્યા

April 14, 2026

છત્તીસગઢમાં વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઇલર ફાટતાં ભયાનક વિસ્ફોટ થયો છે. રિપોર્ટ મુજબ, આ ઘટનામાં 10થી વધુ શ્રમિકોના મોત થયા હોવાની અને 30થી 40 શ્રમિકો દાઝ્યા હોવાની માહિતી સામે આવી છે, જેના કારણે મોતનો આંકડો વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

રિપોર્ટ મુજબ, રાજ્યના સક્તિ જિલ્લામાં સિંઘીતરાઈ ગામમાં વેદાંતાના પાવર પ્લાન્ટમાં આજે અનેક શ્રમિકો કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક બોઇલર ફાટ્યા બાદ જોરદાર ધડાકો થયો હતો. જેના કારણે અહીં આખા વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ છે.

ઘટનામાં 10થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત 30થી 40 શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હોવાથી મોતનો આંકડો વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, દૂર દૂર સુધી તેનો અવાજ સંભળાયા બાદ આસપાસના ગામડાંઓમાં દહેશત ફેલાઈ ગઈ હતી.