7 સાંસદોના પક્ષપલટા બાદ રાજ્યસભામાં ભાજપ પાવરફુલ બની

April 24, 2026

દિલ્હી -આમ આદમી પાર્ટીના સાત સાંસદો પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા બાદ રાજ્યસભામાં સમિકરણો બદલાઈ ગયા છે. સાતેય સાંસદોના પક્ષપલટા બાદ રાજ્યસભામાં ભાજપ પાવરફુલ બની ગઈ છે. રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને અન્ય બે સાંસદો સાથે AAP છોડવાની જાહેરાત કરી છે. તેમની સાથે રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠક અને અશોક મિત્તલે પણ પાર્ટી છોડી દીધી છે અને ત્રણેય નેતાઓએ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીમાં આ અત્યાર સુધીની સૌથી મોટી તિરાડ છે. તાજેતરના આંકડા મુજબ, ભાજપ પાસે રાજ્યસભામાં 106 સભ્યો છે. જેમાં AAPના 7 પક્ષપલટુ સાંસદો ઉમેરાયા બાદ ભાજપની સંખ્યા વધીને 113 થઈ ગઈ છે. આ પક્ષપલટાથી રાજ્યસભામાં ભાજપ મજબૂત થઈ છે, સાથે જ આગામી કાયદાકીય એજન્ડાની દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ભાજપને પક્ષપલટુઓનો સાથ મળતા મજબૂત તો થયું જ છે, સાથે તેમના સાથી પક્ષોના સહયોગના કારણે પણ આ સંખ્યાને મજબૂતી આપી છે. હાલ ભાજપના નેતૃત્વ હેઠળના NDAમાં સાથી પક્ષોના સાંસદો સહિત કુલ 136 સાંસદો છે અને હવે સાત સાંસદોના પક્ષપલટા બાદ આ સંખ્યાબળ 143 પર પહોંચી ગયું છે. સામાન્ય રીતે આ સભ્યો અનેક મહત્વના ખરડાઓ દરમિયાન સરકારનું સમર્થન કરતા રહ્યા છે, જેનાથી સત્તા પક્ષને વ્યૂહાત્મક સરસાઈ મળે છે. રાજ્યસભામાં બહુમતીનો આંકડો પાર કરવો NDA માટે હંમેશા પડકાર રહ્યો છે. લોકસભામાં મજબૂત બહુમતી હોવા છતાં, ઉપલા ગૃહમાં સંખ્યા ઓછી હોવાને કારણે ઘણી વખત સરકારે વિપક્ષ સાથે તાલમેલ બેસાડવો પડતો હતો, પરંતુ હવે 113ના આંકડા સુધી પહોંચવાથી સરકાર માટે બિલ પાસ કરાવવું સરળ બની શકે છે.