સરકાર તેના વચન પૂરા નહીં કરે તો ફરી દેશવ્યાપી આંદોલન છેડાશે, CJPનું અલ્ટીમેટમ

August 23, 2026


24મી ઓગષ્ટે બેઠક યોજી આખરી નિર્ણય લેવાશે. સરકારની નીતિથી ફરી મોટા વિવાદના એંધાણ
દિલ્હી ઃ કોકરોચ જનતા પાર્ટીએ ચેતવણી આપી છે કે, જો સરકાર પોતાના વચનો પૂરા નહીં કરે, તો દેશમાં ફરી એકવાર શાંતિપૂર્ણ આંદોલન શરૂ કરવામાં આવશે. સીજેપીએ કેન્દ્ર સરકાર પર યુવાનો સાથે કરેલા વચનોથી ફેરવી તોળવાનો અને વિશ્વાસઘાત કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. પાર્ટીએ જણાવ્યું કે, 25 જુલાઈના રોજ જે સમજૂતીના આધારે દેશવ્યાપી આંદોલન પાછું ખેંચવામાં આવ્યું હતું, તે માગણીઓ સરકાર હવે પૂરી કરવામાંથી પીછેહઠ કરી રહી છે.
સીજેપીની લીગલ ટીમ અને નેતાઓના જણાવ્યા અનુસાર, 18 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકાર પાસે ત્રણ વખત વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલી એફઆઈઆર (FIR)ની પૂરી યાદી માગી હતી. સુપ્રીમ કોર્ટ બંધારણની કલમ 142 હેઠળ મળેલા વિશેષ અધિકારોનો ઉપયોગ કરીને તમામ કેસો એકસાથે રદ કરવા માગતી હતી. પરંતુ, કોર્ટના વારંવાર પૂછવા છતાં, કેન્દ્ર સરકારે આ યાદી સોંપવા અંગે કોઈ સ્પષ્ટતા કરી નહોતી. પ્રેસ કોન્ફરન્સમાં સીજેપીના સહ-સંયોજક સૌરવ દાસ અને લીગલ અફેર્સ લીડ રત્ના સિંહે આરોપ લગાવ્યો કે, આંદોલન સમાપ્ત કરાવ્યા બાદ સરકાર દેશના યુવાનોને છેતરવાનો પ્રયાસ કરી રહી છે.  સીજેપીએ જણાવ્યું કે, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું તેમની પહેલી સફળતા હતી, પરંતુ જ્યાં સુધી તમામ વાયદા પૂરા નહીં થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે.

સીજેપીના નેતાઓએ સ્પષ્ટ કર્યું કે સરકારે તેમની સાથે બે મુખ્ય વચનો આપ્યા હતા. કેસ પાછા ખેંચવા: આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓ પર દાખલ થયેલી તમામ એફઆઈઆર તરત રદ કરવામાં આવશે, અને ભવિષ્યમાં કોઈ દંડાત્મક કાર્યવાહી નહીં થાય.  NEET પરીક્ષા વિવાદમાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓના પરિવારોને સન્માનજનક વળતર આપવામાં આવશે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોકરોચ જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠક 24 ઓગસ્ટે બોલાવવામાં આવી છે, જેમાં આગળની વ્યૂહરચના નક્કી કરવામાં આવશે.