ઓપરેશન સિંદૂરમાં તબાહ થયેલો જૈશનો અડ્ડો પાકના સરકારી ફંડિંગથી ફરી ધમધમતો થયો

August 23, 2026

ઈસ્લામાબાદ ઃ ભારતીય સેનાના 'ઓપરેશન સિંદૂર' દરમિયાન તબાહ થયેલું આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું બહાવલપુર સ્થિત મુખ્ય મથક (મરકઝ) ફરી એકવાર સક્રિય થઈ ગયું છે. ગુપ્તચર એજન્સીઓના સૂત્રો મુજબ, પાકિસ્તાની સરકારી ફંડની મદદથી આતંકીઓએ પોતાના આ ઠેકાણાનું પુનઃનિર્માણ (રી-કન્સ્ટ્રક્શન) કરી લીધું છે. મળતી માહિતી મુજબ, પાકિસ્તાનના બહાવલપુરમાં આવેલા આ આતંકી કેમ્પના નવા ફોટોગ્રાફ્સ અને વીડિયો સામે આવ્યા છે. આશરે 15 મહિના પહેલા ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ આતંકી માળખાને નિશાન બનાવીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. તાજી તસવીરો દર્શાવે છે કે, નુકસાન પામેલા ગુંબજો, કેન્દ્રીય બિલ્ડિંગનું પ્લાસ્ટર, કલર કામ અને માર્બલ ફિટિંગનું કામ પૂરું કરી દેવાયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જૈશ-એ-મોહમ્મદે આ ઠેકાણું ફરી ઊભું કરવા માટે આર્થિક સહાયની અપીલ કરી હતી, ત્યારબાદ પાકિસ્તાનના ટોચના નેતૃત્વ દ્વારા હપ્તાવાર કરોડો રૂપિયા (આશરે ₹25 કરોડ) ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી હતી. 22 એપ્રિલ 2025ના રોજ પહલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતે 6 અને 7 મે 2025ની રાત્રે પાકિસ્તાન અને પીઓકે (PoK) માં આવેલા 9 આતંકી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં બહાવલપુર સ્થિત જૈશનું 'મરકઝ સુભાન અલ્લાહ' અને મુરીદકેમાં લશ્કર-એ-તૈયબાનું ઠેકાણું તબાહ કરવામાં આવ્યું હતું. આ હુમલા બાદ જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરે સ્વીકાર્યું હતું કે, ઓપરેશન સિંદૂરમાં તેની બહેન, જીજાજી, ભત્રીજા-ભત્રીજી સહિત પરિવારના 10 સભ્યો અને 4 સહયોગીઓ માર્યા ગયા હતા. ગુપ્તચર એજન્સીઓ હાલ નવી તસવીરો અને વીડિયોની વધુ તપાસ કરી રહી છે.