દીપિકાએ સ્પિરિટના નફામાં 10 ટકા માગ્યા, સ્ટોરી લીક કરી હતી

August 22, 2026

મુંબઈ: દીપિકા પાદુકોણે પ્રભાસ સાથેની ફિલ્મ 'સ્પિરિટ'ના નફામાંથી દસ ટકા ભાગ મૂક્યો હતો. તેની શરતો નહિ સ્વીકારાતાં તેણે ફિલ્મની સ્ટોરી તથા પાત્રોની વિગતો લીક કરવા માંડી હતી. આ કારણોસર તેને ફિલ્મમાંથી હાંકી કાઢી તેના સ્થાને તૃપ્તિ ડિમરીને લેવામાં આવી હતી એમ ફિલ્મ સર્જક સંદિપ રેડ્ડી વાંગાના ભાઈ પ્રણય રેડ્ડી વાંગાએ દાવો કર્યો છે.
દીપિકાએ બાદમાં એવી કાગારોળ મચાવી હતી કે તેણે આઠ કલાકની ફિક્સ શિફ્ટનો આગ્રહ રાખ્યો અને તે માટે સર્જકો સંમત ન થયા એટલે તેણે આ ફિલ્મ છોડી દીધી હતી. પ્રણયના જણાવ્યા અનુસાર દીપિકા સાથે દોઢ વર્ષ વાટાઘાટો થઇ હતી. તેનું ધાર્યું ન થયું ત્યારે તેણે ફિલ્મની સ્ટોરી અને તેના પાત્ર વિશે માહિતી સોશ્યલ મિડિયામાં લીક કરવા માંડી જેના કારણે અમે બધાં ડિસ્ટર્બ થઇ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે 'એનિમલ' ફિલ્મથી જાણીતા બનેલા સંદીપ રેડ્ડી વાંગાએ એ સમયે દીપિકાને ઉદ્દેશી સોશ્યલ મિડિયામાં કોમેન્ટ કરી હતી કે ખિસિયાની બિલ્લી ખંભા નોચે. હવે પ્રભાસ અને તૃપ્તિ ડિમરીને ચમકાવતી ફિલ્મ 'સ્પિરિટ' માર્ચ ૨૦૨૭માં રિલિઝ થવાની છે.