કેનેડામાં 8 લાખ હિન્દુઓને હાંકી કાઢવા માગ, ખાલિસ્તાનીઓએ પરેડ યોજી, PM સામે ઉઠ્યા સવાલ

May 05, 2025

 કેનેડાના ટોરેન્ટો શહેરમાં હિન્દુઓ વિરોધી ચોંકાવનારી મુવમેન્ટ જોવા મળી છે. કેનેડાના ખાલિસ્તાનીઓએ કેનેડામાં વસતાં આઠ લાખ હિન્દુઓને હાંકી કાઢવાની માગ સાથે પરેડ યોજી હતી.આ પરેડથી સ્થાયી હિન્દુઓમાં ભયનો માહોલ સર્જાયો છે.

કેનેડામાં હાલમાં જ યોજાયેલી ચૂંટણીમાં ખાલિસ્તાની સમર્થક નેતા જગમીતસિંહના પરાજય બાદ ખાલિસ્તાનીઓ પોતાનું વર્ચસ્વ જમાવી રાખવા દેખાવો કરી રહ્યા છે. જેમાં હાલમાં જ ટોરેન્ટોના મલટન ગુરૂદ્વારામાં હિન્દુ વિરોધી પરેડ યોજાઈ હતી. આ પરેડમાં હાલમાં જ ચૂંટાયેલા વડાપ્રધાન માર્ક કાર્ની સમક્ષ કેનેડામાં વસતાં આઠ લાખ હિન્દુઓને હાંકી કાઢવાની માગ થઈ હતી.

કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાની સત્તા બચાવવા ઘણીવાર ખાલિસ્તાનીઓ સામે ઝૂક્યા છે. જેના લીધે કેનેડાના ભારત સાથેના સંબંધોમાં તિરાડ આવી હતી. જો કે, નવા વડાપ્રધાન કાર્ની ખાલિસ્તાનીઓને સમર્થન આપે છે કે, કેમ તે જોવાનું રહેશે. ખાલિસ્તાનીઓ દ્વારા પરેડ, દેખાવોના આયોજન પર કાર્નીનું મૌન અનેક સવાલો ઉઠાવી રહી છે. PM માર્ક કાર્ની ખાલિસ્તાનીઓના આ હિંસક દેખાવો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરે છે કેમ તે જોવાનું રહેશે.

કેનેડિયન પત્રકાર બોર્ડમેન દ્વારા આ પરેડનો વીડિયો શેર કરાયો હતો. જેમાં તેણે કાર્ની સરકારને સવાલ કર્યો હતો કે, શું કાર્નિ પણ પૂર્વ વડાપ્રધાન ટ્રૂડોની જેમ ખાલિસ્તાનીઓ પ્રત્યે નરમ વલણ દર્શાવશે?

બોર્ડમેને આગળ કહ્યું હતું કે, આપણા માર્ગો પર ભય ફેલાવનારા જેહાદી સમાજને નુકસાન પહોંચાડી રહ્યા છે. યહૂદીઓ પણ ખુલ્લેઆમ ધમકાવી રહ્યા છે. ખાલિસ્તાની પણ નફરત ફેલાવનારાઓની રેસમાં આગળ છે. તેઓ ભારત વિરોધી નહીં, પણ હિન્દુ વિરોધી આંદોલન ચલાવી રહ્યા છે.

મલટન ગુરૂદ્વારામાં ખાલિસ્તાની જૂથ (K-Gang) દ્વારા આઠ લાખ હિન્દુઓને હિન્દુસ્તાન મોકલવાની માગ થઈ છે. આ હિન્દુઓ ત્રિનિદાદ, ગુયાના, સૂરીનામ, જમૈકા, સાઉથ આફ્રિકા, નેધરલેન્ડ્સ, મલેશિયા, શ્રીલંકા, સિંગાપોર, કેન્યા સહિત અન્ય દેશોમાં પણ વસે છે. 

કેનેડામાં ખાલિસ્તાનીઓ અવારનવાર ભારત વિરોધી ગતિવિધિઓ કરતાં જોવા મળ્યા છે. તેઓએ એપ્રિલમાં જ બ્રિટિશ કોલંબિયામાં સ્થિત લક્ષ્મી નારાયણ મંદિરને ત્રીજી વખત નિશાન બનાવી તોડફોડ કરી હતી. મંદિરની દિવાલો પર ખાલિસ્તાન સમર્થક સુત્રોચ્ચાર લખ્યા હતા. તેમજ સિક્યોરિટી કેમેરા પણ ચોરી લીધા હતા. થોડા સમય પહેલાં એક ગુરૂદ્વારાને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ખાલિસ્તાનીઓના હિંસક દેખાવોના કારણે કેનેડામાં વસતા હિન્દુ સમુદાયમાં ભયનો માહોલ સર્જાયો છે. તેઓ પોતાના પર હુમલો થવાના ભયે ચિંતિંત છે.