અવકાશ ક્ષેત્રે ભારતની સિદ્ધિ: શ્રીહરિકોટાથી ISROએ 2,232 કિલોગ્રામના NVS-03 ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ કર્યું

October 31, 2026

નવી દિલ્હી: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)એ શુક્રવારે રાત્રે 11:51 વાગ્યે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી GSLV-F18 રોકેટ મારફતે આગામી પેઢીના નેવિગેશન ઉપગ્રહ NVS-03નું અવકાશમાં સફળ પ્રક્ષેપણ કર્યું હતું. વિશ્વના દેશો અવકાશમાં ઉપગ્રહો મૂકીને પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યા છે, ત્યારે પ્રગતિ માટે અવકાશ ક્ષેત્રે ભારતની સ્થિતિ મજબૂત કરવા આ ઉપગ્રહ મહત્વનો ભાગ ભજવશે અને આ સફળતાથી ભારતે ફરી વિશ્વને ચોંકાવી દીધું છે.

વધુમાં, પ્રક્ષેપણ સમયે 420 ટન કુલ વજન, 50 મીટર ઊંચાઈ અને ત્રણ તબક્કા ધરાવતા આ રોકેટે 2,232 કિલોગ્રામના NVS-03 ઉપગ્રહને ભૂસ્થિર સ્થાનાંતરણ ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવાનું લક્ષ્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. ભારતની પ્રાદેશિક ઉપગ્રહ નેવિગેશન પ્રણાલી NavIC માટે અત્યંત મહત્વપૂર્ણ એવો આ ઉપગ્રહ આગામી પેઢીની નેવિગેશન શ્રેણીનો ત્રીજો ઉપગ્રહ છે, જેને IRNSS શ્રેણીની નેવિગેશન સેવાઓ અવિરત ચાલુ રાખવા વિકસાવવામાં આવ્યો છે.

બીજી તરફ, આ ઉપગ્રહમાં સ્વદેશી અને વિદેશી એમ બંને પ્રકારની પરમાણુ ઘડિયાળો લગાવવામાં આવી છે, જેમાં સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર દ્વારા વિકસિત સ્વદેશી રુબિડિયમ પરમાણુ ઘડિયાળનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, હાલના L5 અને S સિગ્નલની સાથે તેમાં L1 સિગ્નલનો પણ ઉમેરો કરાયો હોવાથી હવે તે L1, L5 અને S બેન્ડમાં સિગ્નલોનું પ્રસારણ કરશે. આ ઉપગ્રહનું કાર્યક્ષેત્ર સમગ્ર ભારતને આવરી લેવાની સાથે દેશની ભૌગોલિક સીમાઓથી 1500 કિલોમીટર દૂર સુધીના વિસ્તારમાં સેવા આપશે.