સરદાર પટેલ જયંતિએ રાષ્ટ્રપતિ અને અમિત શાહની પુષ્પાંજલિ; કોંગ્રેસ પર વારસો ભૂંસવાના પ્રયાસનો આરોપ

October 31, 2026

અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આજે ઉજવાતા 'રાષ્ટ્રીય એકતા દિવસ' પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે સરદાર પટેલના યોગદાનને યાદ કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે, માત્ર 1218 દિવસમાં જ તેમણે સમગ્ર રાષ્ટ્રને એકસૂત્રમાં બાંધી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું.

વધુમાં અમિત શાહે ઉલ્લેખ કર્યો હતો કે આઝાદી સમયે વિશ્વભરના રાજકીય વિશ્લેષકોને ડર હતો કે વિવિધ રજવાડાઓ ધરાવતો આટલો વિશાળ દેશ વિખેરાઈ જશે અને લાંબો સમય એકજૂટ નહીં રહી શકે. પરંતુ સરદાર પટેલે આ ધારણા ખોટી સાબિત કરી દુનિયા જેને અશક્ય માનતી હતી તે કાર્ય ટૂંકા ગાળામાં કરી બતાવ્યું હતું. તેમના દ્વારા સ્થાપિત એકતા આજે ભારતની મુખ્ય ઓળખ બની છે અને તેમના સપનાનું ભારત વિશ્વ સામે ગર્વથી ઊભું છે.

પોતાના સંબોધન દરમિયાન ગૃહ પ્રધાને કોંગ્રેસ પક્ષ પર સરદાર પટેલનો વારસો ભૂંસી નાખવાનો અને તેમની સ્મૃતિને સતત ઝાંખી પાડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ઘણા વર્ષો સુધી સરદાર પટેલને તેમના યોગદાન મુજબ સન્માન મળ્યું નહોતું, પરંતુ જેમ સૂર્યના તેજને છુપાવી શકાતું નથી તેમ તેમના વારસાને પણ દબાવી શકાયો નહીં.

બીજી તરફ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગીએ 'રાષ્ટ્રીય એકતા દિવસ' નિમિત્તે રાજ્યના લોકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યું હતું કે સરદાર પટેલનું જીવન રાષ્ટ્રસેવાને સમર્પિત હતું અને તેમના આદર્શો 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'ના સંકલ્પને સાકાર કરવા સતત પ્રેરણા પૂરી પાડે છે.