ચાંદીનો પરપોટો ફૂટ્યો! ઓલટાઇમ હાઇથી રૂ.2.26 લાખ સસ્તી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો

October 27, 2026

સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડાનો સિલસિલો યથાવત છે અને મંગળવારે ફરી એકવાર બંને કિંમતી ધાતુઓના ભાવ ઘટી ગયા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના ભાવમાં 2200 રૂપિયાથી વધુનો કડાકો બોલાયો છે અને 1 કિલો ચાંદીનો ભાવ તેના હાઈ લેવલથી 2.26 લાખ રૂપિયાથી વધુ ઘટી ગયો છે, જ્યારે સોનું પણ સસ્તું થયું છે.

છેલ્લા કેટલાક દિવસોમાં ચાંદીની કિંમતમાં આવેલી તેજીમાં હવે કડાકો જોવા મળી રહ્યો છે. 4 ડિસેમ્બરની એક્સપાયરી વાળી ચાંદીની વાયદા કિંમત અગાઉના દિવસ 1,95,793 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી, જે મંગળવારે બજાર ખુલ્લતાની સાથે જ 2,238 રૂપિયા સસ્તી થઈને 1,93,555 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે.

ઓક્ટોબર મહિનામાં એક-બે દિવસના અપવાદને બાદ કરતાં ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. ગત મહિનાના આખરી દિવસ એટલે કે 30 સપ્ટેમ્બરે 1 કિલો વાયદાની ચાંદીનો ભાવ 2,23,706 રૂપિયા હતો, જે 1 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 30,151 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ ગઈ છે. જો ચાંદીના લાઇફ ટાઇમ હાઈ સાથે સરખામણી કરીએ, તો જાન્યુઆરી મહિનામાં ચાંદી 4,20,048 રૂપિયા પ્રતિ કિલોગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચી હતી, જેની સામે હવે ચાંદી 2,26,493 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ ચૂકી છે.

માત્ર ચાંદી જ નહીં પરંતુ ઓક્ટોબર મહિનામાં સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. સપ્ટેમ્બર મહિનાના અંતિમરોજે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,49,036 રૂપિયા પર બંધ થયો હતો, જે મંગળવારે ઘટીને 1,42,581 રૂપિયા પર આવી ગયો છે, એટલે કે આ મહિનામાં સોનું અત્યાર સુધી 6,455 રૂપિયા સસ્તું થયું છે.

સપ્તાહના બીજા દિવસે સોનાના ભાવમાં બજાર ખુલતાની સાથે જ ઘટાડો જોવા મળ્યો હતો. સોમવારે સોનું 1,43,073 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું, જે મંગળવારે ઘટીને 1,42,581 રૂપિયા પર પહોંચી ગયું છે. આ હિસાબે સોનું એક જ ઝાટકે 492 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે.