Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને સીમિત ક્ષેત્રમાં રખાશે, કુદરતી હેબિટેટ બનાવાશે

August 09, 2026

વૈજ્ઞાનિક ઢબે વન્ય પ્રાણીઓનું સ્થળાંતર, સીમિત ક્ષેત્રમાં સિંહોને અનુકૂળ વાતાવરણ મળશે


અમરેલી : માનવ વસ્તી પર હુમલાની ઘટનાઓમાં સંડોવાયેલા સિંહને ખુલ્લા જંગલમાં રાખવાને બદલે એક ખાસ સીમિત ક્ષેત્રમાં રાખવા માટે રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમાં 100 હેક્ટર વિસ્તારમાં ખાસ ફેન્સિંગ કરીને સિંહ માટે કુદરતી વાતાવરણ (હેબિટેટ) તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, સિંહની સુરક્ષા અને સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાના હેતુથી દર વર્ષે 10મી ઓગસ્ટે 'વિશ્વ સિંહ દિવસ' મનાવવામાં આવે છે, તે પૂર્વે આ મહત્ત્વપૂર્ણ કવાયત શરૂ કરાઈ છે.

આ અંગે વન વિભાગના ઉચ્ચ આઈ.એફ.એસ. (IFS) અધિકારીએ જણાવ્યું હતું કે, 'માનવ હુમલામાં સંડોવાયેલા સિંહને સુરક્ષિત અને સીમિત ક્ષેત્રમાં રાખવા માટે આંબરડી સફારી પાર્કમાં ફેન્સિંગ કરીને તેને અનુકૂળ રહેઠાણ પૂરું પાડવામાં આવશે. આ અંગે જરૂરી તમામ ટેકનિકલ સૂચનાઓ આપી દેવામાં આવી છે અને સ્થળ પર કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે.' મનુષ્યો અને વન્યજીવો વચ્ચે સતત વધતા સંઘર્ષને ઘટાડવા, પ્રાણીઓને સુરક્ષિત આશ્રય આપવા અને પ્રાદેશિક જૈવિક સંતુલન જાળવવા માટે વન વિભાગ સમયાંતરે વૈજ્ઞાનિક પદ્ધતિથી સ્થળાંતર હાથ ધરે છે. સામાન્ય રીતે જ્યારે સિંહ, દીપડા કે અન્ય વન્યજીવો ખોવાયેલા કે ભટકેલા હાલતમાં માનવ વસ્તી, ખેતરો કે ગામડાંઓમાં ઘૂસી જાય છે અથવા ઈજાગ્રસ્ત થાય છે, ત્યારે તેમને રેસ્ક્યૂ કરીને સુરક્ષિત રીતે અભયારણ્ય કે જંગલમાં ખસેડવામાં આવે છે. તેવી જ રીતે રખડતા મગરોને પણ સલામત જળાશયોમાં મુક્ત કરવામાં આવે છે.

અમરેલીના ધારી નજીક આશરે ૩૬૫ હેક્ટરમાં ફેલાયેલું આંબરડી સફારી પાર્ક ગીર સંરક્ષિત વિસ્તારનું આરક્ષિત જંગલ છે, જે વર્ષ ૨૦૧૭થી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે. અહીં એશિયાટિક સિંહો ઉપરાંત દીપડા, ચિતલ, નીલગાય, ચિંકારા અને વિવિધ પ્રજાતિના પક્ષીઓ કુદરતી માહોલમાં રહે છે. ઇકો-ટૂરિઝમને પ્રોત્સાહન આપવાની સાથે આ પાર્ક સ્થાનિક સ્તરે રોજગારી સર્જન અને વન્યજીવ સંરક્ષણની જાગૃતિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.