મોદીને કુવૈતના સર્વોચ્ચ સન્માન 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત કરાયા

December 22, 2024

કુવૈત : કુવૈતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના સર્વોચ્ચ સન્માન 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત કર્યા છે. આ કોઈ દેશ દ્વારા વડાપ્રધાન મોદીને આપવામાં આવેલ આ 20મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' કુવૈતનો નાઈટહુડ ઓર્ડર છે. આ ઓર્ડર રાજ્યના વડાઓ અને વિદેશી વડાઓ અને વિદેશી શાહી પરિવારોના સભ્યોને મિત્રતાના પ્રતીક તરીકે આપવામાં આવે છે. આ અગાઉ બિલ ક્લિન્ટન, પ્રિન્સ ચાર્લ્સ અને જ્યોર્જ બુશ જેવા વિદેશી નેતાઓને એનાયત કરાઈ ચૂક્યો છે.


શનિવારે બે દિવસીય યાત્રા પર કુવૈત પહોંચેલા વડાપ્રધાન મોદી 43 વર્ષમાં ખાડી દેશના પ્રવાસે જનારા પહેલા ભારતીય વડાપ્રધાન છે. કુવૈતના પ્રવાસ કરનારા અંતિમ ભારતીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા જેમણે 1981માં કુવૈત પ્રવાસ કર્યો હતો. ભારત કુવૈતના ટોચના વ્યાપારિક ભાગીદારોમાંથી એક છે. ભારતીય મુદાય કુવૈતમાં સૌથી મોટો પ્રવાસી સમુદાય છે. ખાડી દેશ ભારતના ટોચના વ્યાપારિક ભાગીદારોમાંથી એક છે, જેનો દ્વિપક્ષીય વેપાર નાણાંકીય વર્ષ 2023-24માં 10.47 બિલિયન અમેરિકન ડોલરનો રહ્યો. કુવૈત ભારતને છઠ્ઠો સૌથી મોટો કાચા તેલની જરૂરિયાત પૂરી પાડતો દેશ છે, જે દેશની ઉર્જા જરૂરિયાતોના 3 ટકા ભાગને પૂર્ણ કરે છે. કુવૈતમાં ભારતીય નિકાસ પહેલીવાર 2 બિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચી ગઈ છે, જ્યારે ભારતમાં કુવૈત ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી દ્વારા 10 બિલિયન અમેરિકન ડોલરથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે.