ગેરકાયદેસર પદાર્થનું સેવન કરતા મુનવ્વર ફારૂકી સહિત 14 લોકોની મુંબઈ પોલીસે અટકાયત કરી

March 27, 2024

બિગ બોસના વિજેતા મુનવ્વર ફારુકીનો વિવાદો સાથે ઊંડો સંબંધ છે. એક પછી એક નવા કેસોમાં તેનું નામ સામે આવતું રહે છે. ક્યારેક તે વિવાદાસ્પદ ટીપ્પણીઓને કારણે તો ક્યારેક પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં આવે છે. આ વખતે તેના પર ગંભીર આરોપો લાગ્યા છે અને મુંબઈ પોલીસે તેની સામે મોટી કાર્યવાહી કરી છે. 'બિગ બોસ 17'ના વિજેતા મુનવ્વર ફારૂકીની મુંબઈ પોલીસે અટકાયત કરી છે. મુનવ્વર ફારૂકી મુંબઈના એક હુક્કા પાર્લરમાં ગેરકાયદેસર પદાર્થનું સેવન કરતા ઝડપાયો છે. દક્ષિણ મુંબઈના હુક્કા પાર્લરમાં આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

ગત મંગળવારે મોડી રાત્રે મુંબઈ પોલીસની એસએસ શાખા (સામાજિક સેવા શાખા) એ એક હોટલ પર દરોડો પાડ્યો જેમાં હુક્કાબાર પણ હતો જ્યાં 'બિગ બોસ 17' વિજેતા મુનવ્વર ફારૂકી સહિત કુલ 14 લોકોની અટકાયત કરવામાં આવી હતી અને કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે તે જામીનપાત્ર ગુનો હતો પોલીસે નોટિસ આપી અને મુનવ્વર ફારુકીને જવા દીધો હતો. હાલ એમઆરએ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.