પંચમહાલ: શહેરામાં 6 કલાકમાં 5 ઇંચ વરસાદ, ડુંગર તૂટતાં બોરિયા-જોધપુર રોડ બંધ

August 11, 2026

પંચમહાલ, મહીસાગર સહિત મધ્ય ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ છે. મંગળવારે(11 ઓગસ્ટ) પંચમહાલના શહેરામાં સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં માત્ર 6 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેમજ પંચમહાલના ગોધરા, મોરવા હડફ સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. જેમાં શહેરામાં ધોધમાર વરસાદને પગલે પાનમ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. આ દરમિયાન, પાનમ ડેમ તરફ જતાં રોડ પર જોધપુર પાસે ડુંગર તૂટતાં બોરિયા-જોધપુર રોડ બંધ હાલતમાં છે. બીજી તરફ, ગમન બારિયાના મુવાડામાં માર્ગ પર વરસાદી પાણી ભરાતા એક કાર પાણીમાં ફસાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

મંગળવારની વહેલી સવારથી જ પંચમહાલના શહેરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં સવારના 6થી બપોરના 2 વાગ્યા સુધીમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને પગલે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા, જેના કારણે કામકાજ અર્થે ઘરની બહાર નીકળેલા વાહનચાલકો અને રાહદારીઓને ફરજિયાતપણે છત્રી અને રેઇનકોટનો સહારો લેવો પડ્યો હતો.

શહેરામાં મેઘમહેર થતાં રસ્તા પર નદીની જેમ પાણી વહેતું થયું હતું. જ્યારે અણીયાદ ચોકડી પાસે પસાર થતાં હાઇવે ઉપર બંને તરફ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને અવરજવર કરવામાં તકલીફ પડી રહી હતી. ધોધમાર વરસાદના કારણે દૈનિક રોજગાર અને અંગત કામકાજ અર્થે નીકળેલા મુસાફરો તથા નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, છેલ્લાં કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારાથી ત્રસ્ત સ્થાનિકોને ધોધમાર વરસાદથી મોટી રાહત મળી હતી અને સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક વ્યાપી ગઈ હતી.