સોમનાથ મંદિર ટ્રસ્ટનો લોગો 77 વર્ષે બદલાયો: શિખરને સ્થાને 'ત્રિશૂળ' બનશે નવી ઓળખ

March 27, 2026

સોમનાથ- પ્રથમ જ્યોતિર્લિંગ અને વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટનો લોગો બદલવામાં આવ્યો છે. ટ્રસ્ટે સ્થાપનાને 77 વર્ષ બાદ લોગો બદલવાનો નિર્ણય કર્યો છે. નવા લોગોમાં ત્રિશૂળને પ્રતિત કરવામાં આવ્યું છે.  સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટે સ્થાપના આટલાં વર્ષો બાદ પ્રથમ વખત લોકો બદલ્યો છે. ટ્રસ્ટનો નવો લોગો આગામી 1 એપ્રિલથી સત્તાવાર રીતે અમલમાં આવશે. અગાઉના લોગોમાં મંદિરનું શિખર દર્શાવવાની સાથે તેમાં 'જય સોમનાથ' લખેલુ હતું. જ્યારે હવે નવા લોગોમાં વાદળી કલરના બેકગ્રાઉન્ડ પર ત્રિશૂળ દર્શાવવામાં આવ્યું છે અને તેની નીચે 'સોમનાથ' લખ્યું છે.
ટ્રસ્ટના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, લેટરપેડ સહિતના સ્થાને નવો લોગો મૂકવામાં આવશે. આ સાથે મંદિર પરિસરમાં મોટા હોર્ડિંગ્સ અને સાઈન બોર્ડ્સ પર નવો લોગો લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા નવો લોગો માત્ર દેખાવ ખાતર નહીં, પણ પ્રભાસ ક્ષેત્રની દિવ્ય ઉર્જા અને સનાતન ધર્મના ઊંડા મૂળ સાથે જોડાવા માટે બદલવામાં આવ્યો છે. નવા લોગોમાં શિખરના બદલે ત્રિશૂળની જ્યોત રાખવામાં આવી છે. જે ભગવાન શિવ અને શક્તિના મિલનનું પ્રતિક છે. તેમાં વપરાયેલ પીળો અને કેસરી રંગ સૃષ્ટિના સર્જન અને બ્રહ્માંડના સંતુલનને દર્શાવે છે.