જાણીતા હોલિવૂડ એક્ટરે ઈસ્લામ અંગીકાર કર્યો, સાઉદીમાં નમાઝ પઢતો વીડિયો વાઇરલ

June 22, 2026

પ્રખ્યાત હોલિવૂડ એક્ટર જિયાનકાર્લો એસ્પોસિટો અત્યારે પોતાનો ધર્મ બદલવાને કારણે ભારે ચર્ચામાં છે. 'બ્રેકિંગ બેડ' અને 'ધ બોયઝ' જેવી લોકપ્રિય સિરીઝમાં શાનદાર અભિનય કરી ચૂકેલા આ અભિનેતાએ સત્તાવાર રીતે ઇસ્લામ ધર્મ અપનાવી લીધો છે. મળતી માહિતી મુજબ, જિયાનકાર્લો એસ્પોસિટોએ સાઉદી અરેબિયામાં પોતાની આગામી ફિલ્મ '7 ડોગ્સ'ના શૂટિંગ દરમિયાન ફિલ્મના કલાકારો અને ક્રૂ મેમ્બર્સની હાજરીમાં શહાદા એટલે કે ઇસ્લામ સ્વીકારવાનો કલમો પઢી હતી. આ સમાચારની પુષ્ટિ સાઉદી અરેબિયાની જનરલ એન્ટરટેઇનમેન્ટ ઓથોરિટીના ચેરમેન તૂર્કી અલ-શેખ દ્વારા કરવામાં આવી છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં જિયાનકાર્લો થોડા લોકો સાથે મસ્જિદમાં નમાજ અદા કરતા જોવા મળી રહ્યો છે.  તૂર્કી અલ-શેખે કેપ્શનમાં જણાવ્યું કે, જાણીતા અભિનેતા સાઉદી અરેબિયામાં પોતાની ફિલ્મ '7 ડોગ્સ' પર કામ કરી રહ્યો હતો અને ત્યાંના વાતાવરણથી પ્રભાવિત થઈને તેણે ઇસ્લામ ધર્મનો સ્વીકાર કર્યો છે. જિયાનકાર્લોના આ નિર્ણયની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઈ રહી છે. તૂર્કી અલ-શેખે વીડિયો પોસ્ટ કરવાની સાથે કેપ્શનમાં લખ્યું છે, 'ગઈકાલે '7 ડોગ્સ' અને 'બ્રેકિંગ બેડ' સ્ટાર જિયાનકાર્લો એસ્પોસિટોએ શહાદા પઢ્યા અને મસ્જિદમાં પોતાની ફિલ્મના કાસ્ટ અને ક્રૂ સાથે નમાજ અદા કરી હતી. સાઉદી અરેબિયામાં શૂટિંગ દરમિયાન મુસ્લિમો સાથેના સારા અનુભવો અને વાતચીતથી પ્રભાવિત થઈને તેમણે આ કદમ ઉઠાવ્યું છે. અલ્લાહનો લાખ-લાખ શુક્ર છે.' ઉલ્લેખનીય છે કે, શહાદા એ ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાની એક પવિત્ર પ્રક્રિયા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો આવતાની સાથે જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.