સુરત: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની અડફેટે બે યુવકના મોત

December 31, 2025

સુરત : સુરત જિલ્લાના કોસંબા બ્રિજ નજીક મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર બુધવારે (31મી ડિસેમ્બર) વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. કોસંબા બ્રિજ નજીક એક અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર બે યુવકોને કચડી નાખતા બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. અકસ્માત સર્જ્યા બાદ વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, બુધવારે વહેલી સવારે જ્યારે નેશનલ હાઈવે 48 પરથી એક બાઈક પસાર થઈ રહ્યું હતું, ત્યારે કોસંબા બ્રિજ પર પાછળથી પૂરઝડપે આવતા એક અજાણ્યા વાહને બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક સવાર બંને યુવકો હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા બંને યુવકોએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો.