85 વર્ષના પિતાને શાંતિથી જીવવાનો હક છે', દિલ્હી હાઈકોર્ટે દીકરા-વહુને 4 અઠવાડિયામાં ઘર ખાલી કરવાનો આપ્યો આદેશ!

November 24, 2026

 વૃદ્ધ માતા-પિતાને પોતાની જ મિલકતમાં શાંતિથી અને સન્માનપૂર્વક રહેવાનો અધિકાર છે અને તેમને પોતાની ઇચ્છા વિરુદ્ધ સંતાનો સાથે રહેવા મજબૂર કરી શકાય નહીં, એવો મહત્વપૂર્ણ ચુકાદો દિલ્હી હાઈકોર્ટે આપ્યો છે. 85 વર્ષીય વૃદ્ધના સ્વમાલિકીના મકાનમાંથી તેમના પુત્ર અને પુત્રવધૂને ચાર અઠવાડિયામાં ઘર ખાલી કરવાનો આદેશ કોર્ટે આપ્યો છે. વૃદ્ધ સાથે કથિત દુર્વ્યવહાર અને હેરાનગતિના આક્ષેપો વચ્ચે કોર્ટે વડીલોના અધિકારો અંગે આ સ્પષ્ટતા કરી હતી. અહેવાલ મુજબ, વૃદ્ધે મેઇન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટિઝન્સ એક્ટ, 2007 હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી કરી હતી. તેમાં તેમણે પોતાના મોટા પુત્ર અને પુત્રવધૂને મકાનમાંથી કાઢવા તથા ભરણપોષણની માગ કરી હતી. જોકે, જિલ્લા મેજિસ્ટ્રેટે દુર્વ્યવહાર અને હેરાનગતિના આક્ષેપો સાબિત ન થતાં અરજી બંધ કરી દીધી હતી. સાથે જ, બે પુત્રો વચ્ચેના વ્યવસાયિક વિવાદના ઉકેલ માટે કાયદાનો ઉપયોગ થઈ રહ્યો હોવાની પણ નોંધ કરી હતી. આ નિર્ણય સામે વૃદ્ધે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. 20 નવેમ્બરના રોજ ચુકાદો આપતાં જસ્ટિસ અમિત મહાજને જણાવ્યું હતું કે, વૃદ્ધને પોતાની ઇચ્છા વિરુદ્ધ સંતાનો સાથે પોતાના ઘરમાં રહેવા મજબૂર કરી શકાય નહીં. ખાસ કરીને જ્યારે સંબંધો એટલા બગડી ગયા હોય કે વૃદ્ધે 2022થી કોર્ટમાં કાનૂની કાર્યવાહી કરવી પડી હોય અને કોર્ટના આદેશથી પોલીસની મદદ પણ લેવી પડી હોય. કોર્ટે કહ્યું કે 85 વર્ષની ઉંમરે વૃદ્ધ પોતાના ઘરમાં શાંતિ અને સન્માન સાથે રહેવાનો અધિકાર ધરાવે છે. પુત્રો વચ્ચેનો વ્યવસાયિક વિવાદ વૃદ્ધના આક્ષેપોની વિશ્વસનીયતા પર શંકા કરવા અથવા તેમને વડીલોના કાયદા હેઠળ સુરક્ષા આપવાનો ઇનકાર કરવા માટેનો આધાર બની શકે નહીં. કોર્ટે નોંધ્યું કે વૃદ્ધો સાથેની હેરાનગતિ ઘણીવાર ઘરની અંદર જ થતી હોય છે, જેને સ્વતંત્ર પુરાવા દ્વારા સાબિત કરવી મુશ્કેલ બની શકે છે. ઘર ખાલી કરાવવાનો આદેશ આપવા માટે વૃદ્ધે હેરાનગતિના આક્ષેપો સ્પષ્ટ અને નિર્ણાયક પુરાવા સાથે સાબિત કરવા જરૂરી નથી. કોર્ટના જણાવ્યા મુજબ, પોતાની મિલકતનું રક્ષણ કરીને શાંતિ અને સન્માનથી રહેવાની જરૂરિયાત દર્શાવવી પૂરતી છે. વૃદ્ધના નાના પુત્રના લગ્ન 2008માં થયા બાદ તેમણે મોટા પુત્ર અને પુત્રવધૂને અલગ રહેવા કહ્યું હતું, પરંતુ બંનેએ ઘર છોડવાનો ઇનકાર કર્યો હોવાનો આક્ષેપ હતો. પત્નીના 2020માં મૃત્યુ બાદ હેરાનગતિ વધી હોવાની પણ અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી. હાઈકોર્ટે પુત્ર અને પુત્રવધૂને ચાર અઠવાડિયામાં મકાન ખાલી કરવાનો આદેશ આપ્યો છે. જરૂર પડે તો આ આદેશનું પાલન કરાવવા સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીને વૃદ્ધને જરૂરી મદદ પૂરી પાડવા પણ સૂચના આપી છે.