ચાર નેતાઓએ સાથે મળીને ઉત્તર પ્રદેશની તસવીર બદલી નાખી - PM મોદી

November 22, 2026

લખનઉ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના સર્વાંગી વિકાસ માટે રાજ્ય અને કેન્દ્રની ડબલ એન્જિન સરકારની કામગીરીને બિરદાવી છે. લખનઉ ખાતે આયોજિત 5મા રાષ્ટ્રીય કૌશલ દીક્ષાંત સમારોહને સંબોધતા વડાપ્રધાને રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રીઓ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક તેમજ પ્રદેશ પ્રમુખ પંકજ ચૌધરીનો એકસાથે ઉલ્લેખ કરીને તેમના સંયુક્ત પ્રયાસોની પ્રશંસા કરી હતી.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આ ચારેય નેતાઓએ સાથે મળીને ઉત્તર પ્રદેશની તસવીર બદલી નાખી છે. આગામી 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના ચારેય ટોચના નેતાઓના નામ એકસાથે લઈને વડાપ્રધાને ઉત્તર પ્રદેશ ભાજપમાં સામૂહિક નેતૃત્વ અને રાજકીય સંતુલન જાળવવાનો સ્પષ્ટ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. હાલ ભાજપ આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે અને પક્ષ દ્વારા તમામ નેતાઓને એકજૂથ રહીને કામ કરવાની સૂચના આપવામાં આવી છે.

રાજ્યની વિકાસગાથા રજૂ કરતા વડાપ્રધાને એક્સપ્રેસ-વે, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, યુનિવર્સિટીઓ અને પ્રવાસન ક્ષેત્રે થયેલા વિકાસનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત તેમણે રાજ્યની બહેતર બનેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તથા મહિલા સુરક્ષાની પણ સરાહના કરી હતી. વડાપ્રધાન મોદીએ સંરક્ષણ અને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઉત્તર પ્રદેશની વધતી જતી ભૂમિકા પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે માહિતી આપી હતી કે રાજ્યમાં સેમિકન્ડક્ટર ચિપ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીનું નિર્માણ થઈ રહ્યું છે. બ્રહ્મોસ મિસાઈલના ઉત્પાદનને ઉત્તર પ્રદેશની મોટી સિદ્ધિ ગણાવતા તેમણે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન દુશ્મનોની ઊંઘ ઉડાડી દેનારી બ્રહ્મોસ મિસાઈલ હવે ઉત્તર પ્રદેશમાં પણ બની રહી છે.