બાંગ્લાદેશમાં ફરી હિંસા: નેતાઓ-કાર્યકરોના 30થી વધુ મકાનોને આગચંપી

November 22, 2026

BNP નેતાઓની હત્યાનો વળતો હુમલો


નરૈલ : બાંગ્લાદેશમાં રાજકીય હિંસાએ ફરી એકવાર ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દેશના નરૈલ જિલ્લાના કાલિયા ઉપજિલ્લા સ્થિત બેન્દારચર ગામમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી 'અવામી લીગ'ના નેતાઓ અને કાર્યકરોની મિલકતો પર મોટા પાયે હુમલા કરીને અંદાજે 30 થી વધુ મકાનો અને અનેક દુકાનોને આગ ચાંપી દેવામાં આવી છે. શુક્રવાર (20 નવેમ્બર) બપોરથી શરૂ થયેલી આ હિંસા મોડી રાત સુધી ચાલુ રહી હતી, જેમાં લૂંટફાટ અને તોડફોડ પણ કરવામાં આવી હતી. દેશના અન્ય ભાગોમાં પણ હિંસા ફેલાતા સુરક્ષા દળોનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. સ્થાનિક મીડિયા 'પ્રથમ આલો' અને 'bdnews24'ના અહેવાલ મુજબ, બેન્દારચર ગામ ઉપરાંત બરદિયા બજાર વિસ્તારમાં પણ ઘણી દુકાનોમાં આગ લગાડવામાં આવી હતી. આ હુમલાઓમાં અવામી લીગના પૂર્વ સાંસદ બી.એમ. કબીરુલ હક મુક્તિનું પૈતૃક નિવાસસ્થાન, કાલિયા નગરપાલિકાના પૂર્વ મેયર મુશફિકુર રહેમાન લિટન અને સ્થાનિક પાર્ટી મહાસચિવ કૃષ્ણપદ ઘોષના ઘરોને પણ નિશાન બનાવીને આગને હવાલે કરવામાં આવ્યા હતા.

કાલિયા ફાયર સર્વિસ સ્ટેશન ઓફિસર હુમાયુ કબીરે જણાવ્યું હતું કે, શુક્રવારે સાંજે 4 વાગ્યાની આસપાસ આગ લાગવાની માહિતી મળી હતી. પરંતુ હુમલાખોરોએ રસ્તા પર ઝાડ પાડીને અવરોધ ઊભો કર્યો હોવાથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી શકી ન હતી. ટીમ પહોંચી ત્યાં સુધીમાં મોટાભાગની આગ ઓલવાઈ ગઈ હતી અને ઓછામાં ઓછા 20થી 25 પરિવારોના 50થી વધુ રહેણાંક માળખા બળીને ખાખ થઈ ગયા હતા.

આ સમગ્ર હિંસા પાછળનું તાત્કાલિક કારણ બુધવારે (18 નવેમ્બર) સાંજે બનેલી એક ઘટના હોવાનું મનાય છે. અવામી લીગના સભ્યો દ્વારા કથિત હિંસાના વિરોધમાં કાલિયા ખાતે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) દ્વારા એક સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ સરઘસ પર થયેલા હુમલામાં BNPના બે સ્થાનિક નેતાઓના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. BNPના નેતાઓ અને કાર્યકરોએ આ હત્યાઓ માટે અવામી લીગના સભ્યોને જવાબદાર ઠેરવ્યા હતા. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોના સંબંધીઓ અને સમર્થકોએ અન્ય લોકો સાથે મળીને હત્યામાં સામેલ હોવાની શંકા ધરાવતા અવામી લીગના કાર્યકરોના ઘરો પર વળતો હુમલો કર્યો હતો.