ગુજરાતનાં જૈન શ્રદ્ધાળુઓની બસનો ઝારખંડમાં ભીષણ અકસ્માત

November 23, 2026

ગિરિડીહ  : ઝારખંડના ગિરિડીહ જિલ્લાના પારસનાથ સ્થિત તીર્થસ્થળ શિખરજીમાં મોડી રાત્રે મોટો માર્ગ અકસ્માત થયો છે. આ માર્ગ અકસ્માતમાં ગુજરાતના સુરતના રહેવાસી બાબૂલાલ વંશરાજ જૈન અને તેમની પત્ની બદામી દેવીનાં મોત થયાં છે.

જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટના મોડી રાત્રે લગભગ 10 વાગ્યાની હોવાનું જણાવાઈ રહ્યું છે. શિખરજીની યાત્રા પૂર્ણ કરીને તમામ જૈન શ્રદ્ધાળુઓ ટાટાનગર જઈ રહ્યા હતા. તેમને ટાટાનગરથી ટ્રેન પકડીને ગુજરાત જવાનું હતું.

મળેલી માહિતી અનુસાર ગુજરાતથી જૈન શ્રદ્ધાળુઓનું એક જૂથ રવિવારે શિખરજી પહોંચ્યું હતું. આ જૂથમાં 10 વાહનો હતાં. મોડી રાત્રે તમામ જૈન શ્રદ્ધાળુઓ શિખરજીથી ટાટાનગર જતી ટ્રેન પકડવા જઈ રહ્યા હતા. આ જ જૂથમાં સામેલ એક બસ અકસ્માતનો ભોગ બની હતી.

મધુબન પોલીસ સ્ટેશન વિસ્તારના કલ્યાણ નિકેતન નજીક મુસાફરોથી ભરેલી બસ અનિયંત્રિત થઈને રસ્તા કિનારે આવેલા એક વૃક્ષ સાથે અથડાઈ ગઈ. ટક્કર બાદ બસ વિપરીત દિશામાં જઈને રસ્તા કિનારે આવેલા ખાડામાં એક તરફ નમીને લટકી ગઈ. અકસ્માતમાં ગુજરાતના સુરત નિવાસી બાબુલાલ વંશરાજ જૈન અને તેમની પત્ની બદામી દેવીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

જ્યારે એક ડઝનથી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી બેની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. બસનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ઘણા મુસાફરો અંદર ફસાઈ ગયા હતા.