આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સમાં વૈશ્વિક પ્રતિભાઓનું પણ સન્માન

November 22, 2026

દિલ્હી : દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (ડીપીઆઈએફએફ)એ ૨૦૨૬ના વિજેતાઓની જાહેરાત કરી છે. આ વખતે ભારતીય ફિલ્મો, સંગીત, ટેલીવીઝન અને ઓટીટી ક્ષેત્રની સાથે આંતરરાષ્ટ્રીય પ્રતિભાઓને પણ સન્માનિત કરવામાં આવી છે. અમેરિકન પોપ સિંગર ટેલર સ્વિફ્ટને ઈન્ટરનેશનલ આર્ટિસ્ટ ઓફ ધી યર એવોર્ડ આપવામાં આવ્યો છે. સંગીત, ગીતલેખન અને લાઈવ મનોરંજન ક્ષેત્રે તેના વૈશ્વિક યોગદાનની વિશેષ નોંધ લેવામાં આવી છે.


ભારતીય સિનેમા કેટગરીમાં ફિલ્મ 'ધુરંધર'એ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે. તેને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે, જ્યારે રણવીર સિંહને બેસ્ટ એક્ટર અને આદિત્ય ધરને બેસ્ટ ડાયરેક્ટર તરીકે સન્માનિત કરાયા છે. 'સૈયારા' માટે અનીત પડ્ડાને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. 'કાંતારા ચેપ્ટર ૧'ને ક્રિટિક્સ બેસ્ટ ફિલ્મ અને ઋષભ શેટ્ટીને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે. સંગીત અને મનોરંજન ક્ષેત્રે કરણ ઔજલાને આર્ટિસ્ટ ઓફ ધી યર, જ્યારે સૈયારાના ટાઈટલ ટ્રેકને સોંગ ઓફ ધી યરનો એવોર્ડ મળ્યો છે. શાશ્વત સચદેવ શ્રેષ્ઠ સંગીતકાર અને ફહીમ અબ્દુલ્લા શ્રેષ્ઠ પ્લેબેક સિંગર બન્યા છે. ઓટીટી ક્ષેત્રે ધી બેડ્સ ઓફ બોલીવડ શ્રેષ્ઠ વેબ સીરીઝ જાહેર કરાઈ અને આર્યન ખાનને શ્રેષ્ઠ વેબ સીરીઝ ડાયરેક્ટર તેમજ સમય રૈનાને કોમેડિયન ઓફ ધી યરનો ખિતાબ મળ્યો છે. આંતરરાષ્ટ્રીય કેટગરીમાં માઈકલ બી. જોર્ડન, જેસી બકલી અને પોલ થોમસ એન્ડરસનને પણ સન્માન મળ્યું છે. 'અવતાર:ફાયર એન્ડ એશ' શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ બની છે. વિશેષ યોગદાન બદલ કમાલ હસન, ઈલિયા રાજા અને જેમ્સ કેમેરોનને સન્માનિત કરાયા છે.