પ્લેન ક્રેશ અંગે અમેરિકન મીડિયાના રિપોર્ટને ઉડ્ડયન મંત્રીએ ફગાવ્યો

July 20, 2025

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ આજે રવિવારે (20 જુલાઈ) ફરી એક વખત પશ્ચિમી મીડિયાની ટીકા કરી હતી, જેમાં અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના માટે પાયલટને દોષી ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 'પ્લેન ક્રેશ દુર્ઘટનાની તપાસ કરી રહેલી કેન્દ્રીય એજન્સી એર એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) પર અમને સંપૂર્ણ ભરોસો છે.'
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના મામલે AAIB દ્વારા જાહેર કરાયેલા પ્રારંભિક રિપોર્ટમાં જણાવેલા તથ્યોને લઈને કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુએ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, 'AAIB દ્વારા કરાયેલા કાર્ય પર મને વિશ્વાસ છે. અગાઉ હંમેશા ડેટા નીકાળવા માટે વિદેશ મોકલવામાં આવતો હતો. જ્યારે પહેલી વખત ભારતમાં ડેટાને ડિકોડ કર્યા, તેમણે અદભૂત કામ કર્યું. આ એક મોટી સફળતા છે.'
અમદાવાદ પ્લેન દુર્ઘટના પાયલટની ભૂલના કારણે થઈ છે, તેવા વૉલ સ્ટ્રીટ જર્નલ અને રૉયટર્સે તેમના રિપોર્ટમાં સંકેત આપ્યા હતા. જેને લઈને બંને વિદેશી મીડિયા સંસ્થાઓ પર નિશાનો સાધતાં નાયડુએ કહ્યું હતું કે, 'AAIB તમામથી એમાં પણ ખાસ કરીને પશ્ચિમી મીડિયાને અપીલ કરી છે.'
રામ મોહન નાયડુએ અંતિમ તપાસ રિપોર્ટ સામે ન આવે તે પહેલા પાયાવિહોણી વાતો ફેલાવનારાને ચેતવણી આપી છે. તેમણે કહ્યું હતું કે, 'અંતિમ રિપોર્ટ આવ્યા પહેલા કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવી કોઈ માટે યોગ્ય નથી. અમે સાવચેત છીએ. દુર્ઘટના અને તપાસ સંબંધિત આપણે અંતિમ રિપોર્ટ આવવાની રાહ જોવી જોઈએ.'
તેમણે કહ્યું કે, 'અંતિમ રિપોર્ટ આવ્યા પહેલા કોઈપણ નિષ્કર્ષ પર જવું એ ઉતાવળ ગણાશે. જેથી સાવધાન રાખવી જોઈએ. રિપોર્ટ જે કહે છે, તેના પર જ અડગ રહો. પ્રારંભિક રિપોર્ટ આવી ગયો છે. ઘણાં બધાં આંકડાઓની પુષ્ટિ કરવાની છે, તેમને સમય આપવાની જરૂર છે.'