ભાજપના પાકમાં જીવડાં લાગી ગયા, દવા છાંટવાની જરૂર : પક્ષપલટુઓના વિરોધમાં ઉતર્યા ગડકરી

November 10, 2024

મુંબઈ : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શનિવારે ભાજપમાં બળવાખોર નેતાઓના પ્રવેશ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ગડકરીએ કહ્યું કે, જેમ-જેમ પક્ષનું વિસ્તરણ વધી રહ્યું છે, થોડી સમસ્યાઓ પણ સર્જાઈ રહી છે. પક્ષે પોતાની સ્વચ્છતા અને પ્રમાણિકતા જાળવી રાખવા પગલાં લેવા પડશે. આડેધડ સભ્યોનો પક્ષમાં પ્રવેશ પક્ષને બદનામ કરી શકે છે. 


બીમાર પાકનુ ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું હતું કે, પક્ષે હવે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવો પડશે. જ્યારે પાક વધે છે, ત્યારે બીમારીઓ પણ વધે છે અને ભાજપનો પાક ખૂબ વિકસિત થઈ રહ્યો છે. જેમાં સારા અનાજની સાથે સાથે અમુક ખરાબ પાક પણ પાકી રહ્યો છે. જેને દૂર કરવો અત્યંત જરૂરી છે. ભાજપના વધતાં સામ્રાજ્યની સાથે અન્ય રાજકીય નેતાઓ અને કાર્યકારોના પક્ષમાં જોડાણની પ્રક્રિયા પર નજર રાખવી પડશે. તેમજ નવા સભ્યોને પક્ષની વિચારધારા અને સંસ્કૃતિથી માહિતગાર કરવા પડશે. ભાજપ કાર્યકરોનો પક્ષ છે, નવા નવા લોકો અનેક કારણોસર ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેથી આપણી જવાબદારી છે કે, તેમને ભાજપની વિચારધારા અને સંસ્કૃતિથી માહિતગાર કરાવીએ, પરંપરાને અનુસરવા પર્યાપ્ત શિક્ષણ આપીએ. અમારો પ્રયાસ સતત જારી છે. હજારો કાર્યકરો જોડાય છે, પરંતુ ક્યારેક કોઈ એવો ખરાબ કાર્યકર જોડાઈ જાય તો તેનાથી હજારો કાર્યકરોનો પ્રયાસ નિષ્ફળ બની શકે છે.