આફ્રિકન દેશમાં બે ભારતીય નાગરિકોની આતંકીઓએ કરી હત્યા, એકનું અપહરણ

July 19, 2025

પશ્ચિમ આફ્રિકાના નાઈજર દેશના ડોસો વિસ્તારમાં 15 જુલાઈએ થયેલા ક્રૂર આતંકવાદી હુમલામાં બે ભારતીય નાગરિકોના મોત નીપજ્યાં હતાં જ્યારે અન્ય એક ભારતીય નાગરિકનું અપહરણ કરવામાં આવ્યું હતું. ભારતના  નિયામી સ્થિત દૂતાવાસે આ ઘટનાની પુષ્ટિ કરી છે અને પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.

ભારતીય દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, '15 જુલાઈના રોજ નાઈજરના ડોસો વિસ્તારમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલામાં બે ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો જ્યારે એકનું અપહરણ કરવામાં આવ્યું હતું. અમે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરીએ છીએ. નિયામીમાં અમારું મિશન સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે, જેથી મૃતકોના મૃતદેહને સ્વદેશ પરત લાવી શકાય અને અપહરણ કરાયેલા ભારતીયની સુરક્ષિત મુક્તિ સુનિશ્ચિત કરાવી શકાય.'

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ હુમલો ડોસો વિસ્તારમાં એક ઇલેક્ટ્રિકલ લાઈનના નિર્માણ સ્થળ પાસે થયો હતો, જે રાજધાની નિયામીથી લગભગ 100 કિમી દૂર છે. આતંકવાદીઓએ નાઈજર આર્મીના એક યુનિટ પર હુમલો કર્યો હતો, જે નિર્માણ સ્થળની સુરક્ષા માટે તહેનાત હતા. આ હુમલામાં નાઈજર સૈનિકનું પણ મૃત્યુ થયું હોવાના સમાચાર છે, જોકે સ્થાનિક અધિકારીઓ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. 

મૃતકોમાંથી એકની ઓળખ ઝારખંડના બોકારો જિલ્લાના 39 વર્ષીય પ્રવાસી શ્રમિક ગણેશ કરમાલી તરીકે થઈ છે, જ્યારે બીજા મૃતકની ઓળખ દક્ષિણ ભારતના એક રાજ્યના કૃષ્ણન તરીકે થઈ છે. જ્યારે અપહરણ કરાયેલા ભારતીય નાગરિકનું નામ રણજીત સિંહ હોવાનું જાણવા મળ્યું છે, જે જમ્મુ અને કાશ્મીરના વતની છે અને ટ્રાન્સરેલ લાઇટિંગ લિમિટેડમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતા હતા.