જૂનાગઢ અને વિસાવદરના રાજકારણમાં કઇંક નવાજૂની થવાની શક્યતા

July 20, 2025

વિસાવદર : વિસાવદર પેટાચૂંટણીમાં ભાજપની હાર પાછળ પૂર્વ મંત્રી જવાહર ચાવડાની નારાજગી જવાબદાર છે. આપ નેતા ગોપાલ ઈટાલિયાની જીત થયા બાદ નારાજ જવાહર ચાવડા ફરી એક વાર વિસાવદરમાં સક્રિય થતાં કઈંક નવાજૂની થશે તેવી અફવાથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જવાહર ચાવડાએ પ્રદેશ ભાજપ નેતાગીરીને સંદેશ આપ્યો છે કે, 'મારી અવગણના કરવી ભાજપને ભારે પડશે.'
પૂર્વ મંત્રી જવાહર ચાવડા ઘણાં સમયથી ભાજપથી નારાજ છે. કારણ કે, માણાવદર બેઠક પર થયેલી ચૂંટણી વખતે કિરીટ પટેલને કારણે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મામલે જવાહર ચાવડાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પુરાવા સાથે પત્ર લખી શિસ્તભંગના પગલાં લેવા રજૂઆત કરી હતી. પણ પાટીલે કાર્યવાહી કરવાને બદલે કિરીટ પટેલને જ વિસાવદર પેટાચૂંટણીમાં ટિકિટ આપી હતી. આ કારણોસર રાજકીય બદલો લેવા જવાહર ચાવડાએ પદડા પાછળ રહીને આપને મદદ કરી હતી, જેથી ગોપાલ ઈટાલિયાનો વિજય થયો હતો.


પેટાચૂંટણીમાં ભાજપની એકેય ચૂંટણી સભા કે પ્રચાર વખતે જવાહર ચાવડા ક્યાંય ડોકાયાં ન હતાં. પરંતુ ગોપાલ ઈટાલિયાના વિજય બાદ હવે જવાહર ચાવડા ગામડે ગામડે ફરી રહ્યાં છે. જ્યાં ભાજપનો જાકારો મળ્યો છે તે વિસ્તારમાં ચાવડાનું જોરદાર સ્વાગત થઈ રહ્યુ છે. ચાવડા હવે શક્તિ પ્રદર્શન કરી ભાજપને સંદેશ આપી રહ્યાં છે.
એવી ચર્ચા છે કે, જવાહર ચાવડા પક્ષમાં જ રહીને ભાજપને નુકસાન પહોંચાડવા માંગે છે. પ્રદેશ ભાજપ નેતાગીરી પણ જવાહર ચાવડા સામે શિસ્તભંગના પગલાં લે તેવી શક્યતા નથી. આ દરમિયાન જૂનાગઢ અને વિસાવદરના રાજકારણમાં કઇંક નવાજૂની થવાની શક્યતા જોવાઇ રહી છે.