'બેવડું વલણ ચલાવી નહીં લઈએ..', ગુજરાતની કંપની પર બૅન મામલે કેન્દ્રની યુરોપિયન યુનિયનને ચેતવણી

July 19, 2025

ભારતીય યુરોપિયન સંઘ (EU) દ્વારા રશિયા સામે લાદવામાં આવેલા નવા પ્રતિબંધોને મૂળથી નકારતા ઊર્જા વેપારમાં 'બેવડું વલણ' અપનાવવાના કારણે યુરોપની આકરી ટીકા કરી છે. EUએ પોતાના 18માં પ્રતિબંધ પેકેજ હેઠળ ગુજરાતની વાડીનાર રિફાઇનરીને નિશાનો બનાવ્યો છે. આ રિફાઇનરીને નાયરા એનર્જી લિમિટેડ નામની કંપની સંચાલિત કરે છે. રિફાઇનરીમાં રશિયન તેલ કંપની રોસનેફ્ટની 49.13% ભાગીદારી છે. વિદેશ મંત્રાલય (એમઈએ) એ યુરોપિયન સંઘ દ્વારા રશિયા પર, ખાસ કરીને તેના ઊર્જા વેપાર પર નવા દંડાત્મક ઉપાયની જાહેરાતના જવાબમાં કહ્યું કે, ભારત કોઈપણ એકતરફી પ્રતિબંધ ઉપાયોનું સમર્થન નથી કરતું.  વિદેશ મંત્રાલયના પ્રવક્ત રણધીર જયસ્વાલે શુક્રવારે (18 જુલાઈ) પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે, 'અમે યુરોપિયન સંઘ દ્વારા તાજા પ્રતિબંધો પર ધ્યાન દોર્યું છે. ભારત કોઈપણ એકતરફી પ્રતિબંધોનું સમર્થન નથી કરતું. અમે એક જવાબદાર દેશ છીએ અને પોતાના કાનૂની જવાબદારીનું સંપૂર્ણ રીતે પાલન કરીએ છીએ. ઊર્જા સુરક્ષા અમારા નાગરિકોની પાયાની જરૂરિયાતોને પૂરી કરવા માટે ખૂબ જ જરૂરી છે. અમે સ્પષ્ટ રૂપે કહેવા માગીએ છીએ કે, ઊર્જા વેપારમાં બેવડું વલણ સ્વીકારવામાં નહીં આવે.'  યુરોપિયન સંઘે 16 જુલાઈએ રશિયાની વિરૂદ્ધ પોતાના 18માં પ્રતિબંધ પેકેજની જાહેરાત કરી, તેનો હેતુ રશિયાના ક્રૂડ ઓઇલ અને ઊર્જા ક્ષેત્રને નિશાનો બનાવવાનો છે. આ પેકેજમાં રશિયન ક્રૂડ ઓઇલની મહત્તમ કિંમતને 60 ડૉલર પ્રતિ બેરલથી ઘટાડીને 47.6 ડૉલર પ્રતિ બેરલ કરવાનું સામેલ છે, જેથી રશિયાની આવકમાં ઘટાડો કરી શકાય. આ સિવાય, EU એ રશિયાની કથિત 'શેડો ફ્લીટ' (જૂના તેલ ટેન્કરોનો સમૂહ) અને ભારતીય રિફાઇનરી નાયરા એનર્જીને પ્રતિબંધોની સૂચિમાં સામેલ કરી છે.