અમેઠી-રાયબરેલી સીટ પર કોંગ્રેસ હજુ અસમંજસમાં : હવે ખડગે અને ગાંધી પરિવાર લેશે અંતિમ નિર્ણય

April 28, 2024

અમેઠી : કોંગ્રેસે હજુ યુપીની બે હોટ સીટ અમેઠી અને રાયબરેલી પર પોતાના ઉમેદવાર જાહેર નથી કર્યા. યુપીના આ બે હોટ સીટ પર કોંગ્રેસ હજુ અસમંજસમાં છે. કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠકમાં પણ ઉત્તર પ્રદેશની અમેઠી અને રાયબરેલી બેઠકોના ઉમેદવારોને લઈને કોઈ નિર્ણય નથી લેવાયો. 

સમિતિના સદસ્યોએ કોંગ્રેસ નેતૃત્વને વિનંતી કરી છે કે, તેઓ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને અમેઠી અને રાયબરેલીથી ચૂંટણી મેદાનમાં ઉતારે. એક અહેવાલ પ્રમાણે આ બંને બેઠકો પર કોને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવશે તેનો અંતિમ નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ગાંધી પરિવાર પર છોડી દેવામાં આવ્યો છે. હવે આ મુદ્દે કોઈ બેઠક નહીં થશે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને ચેરપર્સન સોનિયા ગાંધી આ બેઠકમાં હાજર હતા પરંતુ તેમણે આ મુદ્દે પોતાનો અભિપ્રાય નથી આપ્યો. 


આ બંને બેઠકો પર 20 મેના રોજ મતદાન થશે અને અહીંથી ઉમેદવારી નોંધાવાની છેલ્લી તારીખ 3 મે છે. રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી અને આ બેઠક પર 26 એપ્રિલના રોજ મતદાન સંપન્ન થઈ ચૂક્યુ છે. પાર્ટીની અંદર એવી માંગ ઉઠી રહી છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને અમેઠી અને રાયબરેલીથી ચૂંટણી મેદાનમાં ઉતારવા જોઈએ. કાર્યકર્તાઓનું કહેવું છે કે આ બેઠકો પર ચૂંટણી ન લડવી તે એ સંકેત આપી શકે છે કે હિન્દીભાષી વિસ્તારોમાં કોંગ્રેસે ભાજપ સામે હથિયાર ફેંકી દીધા છે. ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 બેઠકો છે અને કેન્દ્રમાં સરકાર બનાવવા માટે આ રાજ્યની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હોય છે.