દિલ્હી-NCRમાં મેઘરાજાનો કહેર, વીજળી ગુલ, સાત લોકોના મોત

May 02, 2025

હિમાચલમાં વાવાઝોડું, વીજળી અને ભારે પવન ફૂંકાવાની આગાહી, ઉત્તર પ્રદેશમાં વીજળી ત્રાટકતા ત્રણના મોત

દિલ્હી- ઉત્તર ભારતના અનેક ભાગોમાં શુક્રવારે સવારે ભારે વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે સાત લોકોના મોત થયા હતા. દિલ્હી અને એનસીઆરમાં વાવાઝોડા અને વરસાદને કારણે ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયા હતા. અનેક સ્થળે ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો અને ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. આ ઉપરાંત રાજધાનીમાં અનેક ફ્લાઈટો મોડી પડી રહી છે.
શુક્રવારે સવારે દિલ્હીમાં ધૂળ અને ભારે પવન સાથે ત્રણ કલાક સુધી વરસાદ પડ્યો હતો, જેમાં અનેક ઠેકાણે ટ્રાફિક જામની સ્થિતિ અને ફ્લાઈટો મોડી પડી રહી છે. દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદ અને મથુરામાં વ્યસ્ત રહેતા રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે. તો અનેક જગ્યાઓ પર વૃક્ષો પણ ધરાશાયીની ઘટનાઓ બની છે. નફજગઢ વિસ્તારમાં એક મકાન ધરાશાયી થતા 28 વર્ષિય મહિલા અને ત્રણ બાળકોના મોત થયા છે. મૂશળધાર વરસાદ અને ભારે પવનના કારણે રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાની મથક પર 200થી વધુ ફ્લાઈટોના સંચાલનમાં વિલંબ થયો છે.
મેઘરાજાએ ઉત્તર પ્રદેશમાં પણ ધડબડાટી બોલાવી અનેક રસ્તાઓ જળમગ્ન કરી દીધા છે. રાજ્યમાં વીજળી પડવાની જુદી જુદી ઘટનાઓમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં ફિરોઝાબાદમાં મનરેગા હેઠળ કામ કરતા બે મજૂરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એટા જિલ્લામાં વીજળી પડવાથી 17 વર્ષની દિક્ષાનું મોત થયું છે, જ્યારે તેની નાની બહેન, પિતા અને ભાઈ પણ ઈજાગ્રસ્ત થયા છે.
હવામાન વિભાગે 3 અને 4 મેના રોજ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન 30-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. IMDએ લોકોને સતર્ક રહેવા અને સાવચેતી રાખવાની સલાહ આપી છે.
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા અને જુબ્બરહટ્ટીની આસપાસના ઘણા વિસ્તારોમાં કરા પડ્યા છે. આ ઉપરાંત કેટલાક સ્થળોએ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આવતા અઠવાડિયાના ગુરુવાર સુધી વાવાઝોડા, વીજળી અને 30-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકવા માટે ઑરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભારે વરસાદ અને ભારે પવનના કારણે શિમલામાં વૃક્ષો ધરાશાયી થવાથી અનેક કારને નુકસાન થયું છે.