વિરાટ કોહલીએ T20 ક્રિકેટથી કેમ લીધી નિવૃત્તિ? 10 મહિના બાદ તોડ્યું મૌન

May 03, 2025

સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ 2024ના T20 વર્લ્ડ કપ પછી T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. કોહલીએ આ T20 વર્લ્ડ કપની ફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે 59 બોલમાં 76 રન બનાવ્યા હતા. ભારતીય ટીમની ટાઈટલ જીત બાદ કોહલી ઉપરાંત, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ પણ T20I ને અલવિદા કહી દીધુ હતું. હવે નિવૃતિના 10 મહિના પછી વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ અંગે પોતાનું મૌન તોડ્યું છે. કોહલીએ કહ્યું કે, 'હું 2026ના T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને નવા ખેલાડીઓને પરિપક્વ થવા માટે બે વર્ષનો સમય આપવા માગતો હતો.' કોહલીએ RCBના પોડકાસ્ટમાં કહ્યું કે, 'મને નથી લાગતું કે મારા માટે કોઈ પણ રીતે પરિસ્થિતિ બદલાઈ છે.' T20I છોડવાનો નિર્ણય સંપૂર્ણ રીતે એ સમજ સાથે લેવામાં આવ્યો હતો કે, ખેલાડીઓનું એક નવું ગ્રુપ સંપૂર્ણ રીતે તૈયાર છે અને તેમને સમય જોઈએ છે. નવા ખેલાડીઓને એડજસ્ટ થવામાં, પ્રેશરનો સામનો કરવા અને વિશ્વના વિવિધ ભાગોમાં રમવા માટે બે વર્ષનો સમય લાગે છે.' જેથી જ્યારે વર્લ્ડ કપ આવે ત્યારે તેમને લાગે કે તેઓ તૈયાર છે.' વિરાટ કોહલી ભારત માટે 125 T20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો છે. આ દરમિયાન તેણે 48.69ની એવરેજથી 4188 રન બનાવ્યા. IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) માટે વિરાટ કોહલી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. કોહલીએ 10 મેચમાં 63.28ની એવરેજથી 443 રન બનાવ્યા છે.