દક્ષિણ અમેરિકાના શહેરોમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

May 03, 2025

દક્ષિણ અમેરિકાના બે દેશો, આર્જેન્ટિના અને ચિલીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.4 માપવામાં આવી હતી. આ ભૂકંપ દરિયાની અંદર આવ્યો હતો, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પણ હલનચલન અનુભવાઈ હતી.દેશના દક્ષિણ છેડાની નજીક રહેતા લોકોને તેમના વિસ્તારો ખાલી કરીને સુરક્ષિત સ્થળોએ જવા માટે કહેવામાં આવ્યું છે.

ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવાના આદેશ આપવામાં આવ્યા છે. ભૂકંપના તીવ્ર આંચકા બાદ સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. રાષ્ટ્રીય આપત્તિ નિવારણ અને પ્રતિભાવ સેવાએ જણાવ્યું હતું કે સુનામી ચેતવણીને કારણે, મેગેલન ક્ષેત્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળોએ સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

USGS એ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર આર્જેન્ટિનાના ઉશુઆયા શહેરથી 219 કિલોમીટર (173 માઇલ) દક્ષિણમાં સમુદ્રની નીચે હતું. ભૂકંપના જોરદાર આંચકા સાથે, લોકો પોતાના ઘર છોડીને ખાલી જગ્યાઓ તરફ દોડવા લાગ્યા. હાલમાં કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર નથી. સ્થાનિક મીડિયા અનુસાર, ચિલીના પુન્ટા એરેનાસ અને આર્જેન્ટિનાના રિયો ગેલેગોસ શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.