ગુજરાતમાં ફિક્સ પગાર, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા માગણી

July 20, 2025

અમદાવાદ ઃ ગુજરાતમાં ફિક્સ પગાર, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાની માગણી સાથે વિપક્ષના નેતાઓએ સોશિયલ મીડિયા પર આક્રમક અભિયાન શરૂ કર્યું છે. 'દાયકાઓથી મહા ભયંકર દમન અને શોષણ કરનારી આ પ્રથાઓ નાબૂદ થવી જ જોઈએ!' જેવા કડક શબ્દોમાં વિપક્ષે સરકાર પર પ્રહારો કર્યા છે.


લાંબા સમયથી ફિક્સ પગાર, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા હેઠળ કામ કરતા કર્મચારીઓ અસુરક્ષિત અનુભવી રહ્યા છે. તેમને કાયમી કર્મચારીઓની સરખામણીમાં ઓછો પગાર, ઓછા ભથ્થાં અને નોકરીની અસુરક્ષાનો સામનો કરવો પડે છે. આ પ્રથાઓથી કર્મચારીઓનું આર્થિક અને સામાજિક શોષણ થતું હોવાના આક્ષેપો છે. વિપક્ષ આ મુદ્દાને ઉઠાવીને આ વર્ગના સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.


રાજ્યમાં સરકારી ભરતીઓ, પેપર લીક કાંડ અને બેરોજગારી જેવા મુદ્દાઓ યુવાનો અને નોકરીવાંચ્છુઓમાં પહેલેથી જ રોષ ઊભો કરી રહ્યા છે. ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પ્રથા આ અસંતોષમાં વધારો કરે છે. વિપક્ષ આ રોષને વાચા આપીને સરકાર વિરુદ્ધ માહોલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.