50 ટકાથી વધુ ફ્લાઈટ્સ રદ થતા DGCAએ ફટકારી કારણ બતાવો નોટિસ

November 20, 2026

OTP માં મોટો ઘટાડો અને 50% થી વધુ ફ્લાઈટ્સ રદ, ઘટતો માર્કેટ શેર અને વિદેશમાં પણ મુશ્કેલીઓ

દિલ્હી ઃ ગંભીર આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલી બજેટ એરલાઈન સ્પાઈસજેટની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. ઉડ્ડયન નિયમનકાર 'ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન'એ 17 નવેમ્બર 2026 ના રોજ એરલાઈનને કારણદર્શક નોટિસ મોકલી છે. આ નોટિસમાં વિમાનન નિયમોના વારંવાર ઉલ્લંઘન, ફ્લાઈટના સંચાલનમાં સતત અવરોધો, બાકી લેણાં અને દંડની રકમ ન ચૂકવવી, તેમજ કોઈ નક્કર રિકવરી પ્લાન વગર મોટાભાગના વિમાનો ગ્રાઉન્ડેડ (ઊભા) રાખી દેવા જેવા ગંભીર મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે. 7 દિવસમાં જવાબ આપવાનો આદેશ: સ્પાઈસજેટને આ નોટિસનો જવાબ આપવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

જો એરલાઈન સમયસર જવાબ નહીં આપે તો DGCA એકતરફી આદેશ જારી કરી શકે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના 19 નવેમ્બરના આંકડા મુજબ, સ્પાઈસજેટનો ઓન-ટાઈમ પરફોર્મન્સ માત્ર 25% રહ્યો છે, જ્યારે અન્ય મુખ્ય એરલાઈન્સનો OTP 80% થી વધુ છે. છેલ્લા કેટલાક દિવસોમાં સ્પાઈસજેટે પોતાની 50% થી વધુ ફ્લાઈટ્સ રદ કરી છે, જેના કારણે મુસાફરો ભારે પરેશાન છે. રોકડની ભારે અછત, કર્મચારીઓના પગારમાં વિલંબ અને વિમાનોના લીઝર્સને ચૂકવણી ન કરી શકવાને કારણે સ્પાઈસજેટ પાસે હવે 10 થી પણ ઓછા વિમાન બચ્યા છે. વર્ષ 2019 માં જેનો સ્થાનિક માર્કેટ શેર આશરે 15% અને જાન્યુઆરી 2026 માં લગભગ 4% હતો, તે ઓક્ટોબરમાં ઘટીને માત્ર 0.6% રહી ગયો છે. અગાઉ બોર્ડે ₹5,500 કરોડ એકત્ર કરવાની મંજૂરી આપી હતી, પરંતુ ભંડોળ મળવાની સમયમર્યાદા અંગે હજુ સ્પષ્ટતા નથી.